તાજેતરમાં જ અમદાવાદમાં ન્યૂડ વીડિયો કોલ કરીને કરોડો પડાવનાર આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયાં હતાં. રાજસ્થાન અને હરિયાણાની ગેંગ દ્વારા આ પ્રકારે રૂપિયા પડાવવામાં આવતાં હતાં. પોલીસે આરોપીઓને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ફરીએક વાર શહેરમાં ન્યૂડ વીડિયો કોલ કરીને એક લાખ પડાવીને બ્લેક મેઈલિંગ કરી ધમકીઓ આપનારી યુવતી સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે શિલજમાં રહેતા ઈન્ટિરિયર ડિઝાઈનરના ફેસબુક પર પાયલ શર્મા નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી.
રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને બંને જણા મેસેન્જરમાં વાતો કરતાં હતાં. ત્યાર બાદ બંને જણા વોટ્સએપ નંબરની આપ લે કરીને વોટ્સએપ પર પણ વાતો કરતાં હતાં. રાત્રેની સમયે આ પાયલ શર્માએ વીડિયો કોલ કર્યો હતો. જે યુવકે રિસિવ કરતાં જ તેણે પોતાનો અસલી રંગ બતાવી દીધો હતો. આ પાયલ શર્માએ બંને વચ્ચેની વાતચીતનો વીડિયો રેકોર્ડ કરી દીધો હતો. ત્યાર બાદ વીડિયો કોલ કટ કરીને થોડીવારમાં જ વોટ્સએપ પર તેનો વીડિયો મોકલ્યો હતો. આ પાયલ શર્મા નામની યુવતીએ સોશિયલ મીડિયામાં ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને એક લાખ આઠ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. ત્યાર બાદ અન્ય ઈસમોએ ફોન કરી કરીને સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી રૂપિયા માંગ્યા હતાં. જેથી યુવક સાથે યુવતીએ વિશ્વાસઘાત કરીને ધમકીઓ આપી બ્લેક મેઈલ કરીને એક લાખ પડાવ્યા હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.