કોલેજમાં સાથે ભણતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં યુવકે ધાક ધમકી આપી, યુવતીએ ફરિયાદ નોંધાવી

સોમવાર, 10 એપ્રિલ 2023 (15:37 IST)
એક તરફી પ્રેમ સંબંધમાં પાગલ થયેલા લોકો ના કરવાનું કરી બેસે છે અને મામલો પોલીસ સુધી પહોંચી જાય છે. અમદાવાદમાં એક યુવક યુવતીના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. તેણે યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે કહેતાં યુવતીએ સંબંધ રાખવાનો ઈનકાર કરી દીધો હતો. જેથી ઉશ્કેરાયેલા યુવકે યુવતીને વોટ્સએપ પર મેસેજ કરતો, તેનો પીછો કરીને હેરાન કરવા લાગ્યો હતો. આ યુવકથી કંટાળેલી યુવતીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
યુવતીએ તેને પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દીધી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના કુબેરનગરમાં રહેતી 20 વર્ષીય યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. તે કાગડાપીઠ વિસ્તારમાં એક દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે પાર્ટ ટાઈમ નોકરી કરે છે. વર્ષ 2021માં કોલેજમાં અભ્યાસ કરતાં ઓમ મોદી નામના યુવક સાથે તેને મિત્રતા થઈ હતી. બંને જણા ફોન પર વાતો કરતાં હતાં. થોડા દિવસમાં આ ઓમ મોદીએ યુવતી સમક્ષ પ્રેમ સંબંધનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ યુવતીએ તેને પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. 
 
કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
યુવતી એક વખત કોલેજ જતી હતી ત્યારે આ ઓમ મોદીએ તેને ટંકશાળની પોળમાં બોલાવી હતી. ત્યાં તેને તુ મારી સાથે પ્રેમ સંબંધ કેમ નથી રાખતી કહીને હેરાન કરવા લાગ્યો હતો. અવાર નવાર વોટ્સએપ પર મેસેજ કરીને તેને હેરાન કરતો હતો. તેનો પીછો કરીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરીને ધાક ધમકી આપતો હતો. જેથી કંટાળેલી યુવતીએ ઓમ મોદી સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર