Virat Kohli Century : બાગ્લાદેશ વિરુદ્ધ રમાયેલ મુકાબલામા વિરાટ કોહલીની બેટીંગે ધમાલ મચાવી દીધી અને તેમણે પોતાની સૂઝબૂઝ સાથે પોતાની 48મી વનડે સદી પણ પૂરી કરી લીધી. વિરાટે 97 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પરંતુ, વિરાટની આ સદીમાં અમ્પાયર Richard Kettleborough નું મોટું યોગદાન છે. જેને કારણે વિરાટની સાથે અમ્પાયર પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હવે તમે વિચારી રહ્યા હશો કે વિરાટની ઈનિંગમાં અમ્પાયરે એવું તે શું કર્યું જેના વખાણ થઈ રહ્યા છે...
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. પરંતુ, આ સમય દરમિયાન અમ્પાયર Richard Kettleborough ના એક નિર્ણયે ચારેબાજુ વાહવાહી લૂંટી લીધી. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમને જીતવા માટે 2 રનની જરૂર હતી અને વિરાટ કોહલીને તેની સદી પૂરી કરવા માટે 3 રનની જરૂર હતી. ત્યારબાદ બોલિંગ કરવા આવેલા નસુમ અહેમદે બોલને લેગ સાઇડ તરફ ફેંક્યો, જે એકદમ વાઈડ દેખાતો હતો, પરંતુ અમ્પાયર રિચર્ડે તેને વાઈડ આપ્યો ન હતો, કદાચ તેઓ પણ વિરાટ કોહલીને સદી ફટકારતો જોવા માંગતા હતા. એ સમય દરમિયાન અમ્પાયરે એવી સ્માઈલ આપી, જેની ચારેબાજુ ખૂબ ચર્ચા થઈ રહી છે. ડ્રેસિંગ રૂમમાં હાજર કુલદીપ યાદવ પણ જ્યારે અમ્પાયરે વાઈડ બોલ ન આપ્યો ત્યારે હસવાનું રોકી શક્યો નહીં.