‘ભારત દેશ’ ગ્લોબલ સાઉથ અને વેસ્ટર્ન દેશો વચ્ચેનો બ્રિજ બનશે તેનો ગેટવે “ગિફ્ટસિટી” હશે

ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (15:58 IST)
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે યોજાયેલા “ગિફ્ટ સિટી - એન એસ્પિરેશન ઓફ મોડર્ન ઈન્ડિયા” સેમિનારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે,વર્ષ 2007માં તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ નાણાકીય સેવાઓ અને ટેક્નોલોજીના સમન્વયનો આપેલો વિચાર ગિફ્ટસિટીથી ચરિતાર્થ થઈ રહ્યો છે. બદલાતા વૈશ્વિક નાણાકીય પ્રવાહો વચ્ચે નાણાકીય બજારના વિકાસ માટે મૂડી રોકાણ મહત્વનું પાસું છે. જે અર્થતંત્રને સંચાલિત કરે છે. આ ખ્યાલનું અમલીકરણ કરવા ગિફ્ટસિટી ખાતે IFSC (ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર) કાર્યરત છે. જે દુનિયાભરના રોકાણકારો માટે ભારતના દ્વાર ખોલે છે.
 
 “ગિફ્ટસિટી” ખાતે વિશાળ તકોની સંભાવના
તેમણે ઉમેર્યું હતુ કે, ગિફ્ટ સિટીમાં હાલમાં 3 આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટોક એક્સચેન્જ, 9 વિદેશી સહિત કુલ 25 બેંક, 26 એરક્રાફ્ટ લિઝર્સ, 80 ફંડ મેનેજર્સ કાર્યરત છે. આ ઉપરાંત શિપ બિલ્ડિંગ અને લિઝિંગ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે અનુરૂપ વાતાવરણ ગિફ્ટસિટી ખાતે નિર્માણ કરાયું છે. ગિફ્ટસિટીમાં 50 જેટલા સર્વિસ પ્રોવાઈડર્સ અને 40 ફીનટેક એન્ટીટી પણ કાર્યરત છે.તાજેતરમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપતા ભારતે સ્કેનિંગ અને સ્પીડનો પર્યાય બનેલા UPI પેમેન્ટ સિસ્ટમથી 2.3 લાખ કરોડના નાણાકીય વ્યવહારનો વિક્રમ સર્જ્યો હતો.આગામી વર્ષોમાં ભારત ગ્લોબલ સાઉથ અને વેસ્ટર્ન દેશો વચ્ચેનો મહત્વપૂર્ણ બ્રિજ બનશે અને તેનો ગેટવે “ગિફ્ટસિટી” બનશે. એવિએશન, ડિફેન્સ, મેડિકલ, ફિનટેક, બેન્કિંગ, એજ્યુકેશન જેવા વિવિધ ક્ષેત્રો માટે “ગિફ્ટસિટી” ખાતે વિશાળ તકોની સંભાવના છે.
 
2000 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો
આ પ્રસંગે ગિફ્ટસિટીના ચેરમેન હસમુખ અઢિયાએ જણાવ્યું હતુ કે, ભારત સરકારના ઉત્તમ નાણાકીય નિયમનને કારણે ગિફ્ટસિટી આજે રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. અહીં સંસાધનોની ડિમાન્ડ સપ્લાય કરતા પણ વધી ગઈ છે. એ જ તેની કાર્યક્ષમતાનું પ્રમાણ છે. ગિફ્ટસિટીમાં વર્લ્ડ ટોપ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, હાલમાં ભારતમાં 900 એરક્રાફ્ટ કાર્યરત છે. જ્યારે 2000 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. એરક્રાફ્ટ લિઝીંગની મહત્તમ કામગીરી ગિફ્ટસિટી ખાતે થાય તે અમારો લક્ષ્યાંક છે.
 
તજજ્ઞોની ત્રણ પેનલ ચર્ચા સત્રમાં જોડાઈ હતી
સેમિનારમાં મુખ્ય ત્રણ વિષય ડિઝાઈનીંગ ધ ફ્રેમવર્ક ફોર ધ ફ્યુચર ઓફ ફાયનાન્સ, રોલ ઓફ ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સેન્ટર, ધ રાઈટ કનેક્ટ ઓફ ટેક એન્ડ ફીન ફોર ઈમર્જિંગ ટ્રેન્ડસ ગ્લોબલિ, અર્બન રેઝિલિયન્સ- બિલ્ડિંગ સસ્ટેનેબલ એન્ડ ફ્યુચર-પ્રુફ સિટી પર ક્ષેત્ર તજજ્ઞોની ત્રણ પેનલ ચર્ચાસત્રમાં જોડાઈ હતી. જેમાં ગિફ્ટસિટીમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરવું અને દેશના કૌશલ્યવાન યુવાનોને પુરતી તકો આપવા વિશે રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર