શું તમને ક્યારેય એ વાતને લઇને આશ્ચર્ય થયું છે કે પહેલા પુરુષો જ શા માટે મહિલાને 'આઇ લવ યુ' કહે છે! કારણ કે, એક સંશોધન અનુસાર આજના યુવકો પોતાના પાર્ટનરને એવું કહેતા સહેજપણ ખચકાતા નથી કે તેઓ તેમના વિષે શું વિચારે છે.
'ડેલી મેલ'ના સમાચાર અનુસાર, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું, શારીરિક સંબંધને લગતી જરૂરિયાતો પૂર્ણ કરનારી કોઇપણ રણનીતિ પુરુષો માટે લાભદાયક છે અને તેમાં પ્રેમની જાહેરાતનો પણ સમાવેશ થાય છે.
સંશોધકોએ આ વિષે પોતાના અભ્યાસ માટે 25 વર્ષથી ઓછી ઉંમરના 171 યુવક-યુવતીઓ સાથે વાતચીત કરી. 87 ટકા લોકોએ કહ્યું કે તેઓ માને છે કે પહેલા મહિલાઓ પ્રેમમાં પડે છે જ્યારે ત્રણ ચતુર્થાંશ લોકોએ કહ્યું કે તેઓ અનુભવે છે કે પહેલા મહિલાઓ પ્રેમનો એકરાર કરે છે.
જ્યારે આ વિષેના તેમના અનુભવો વિષે પૂછવામાં આવ્યું ત્યારે પુરુષોએ કહ્યું કે તેઓ પ્રેમમાં ફસાઇ ગયા છે તે સમજવામાં તેમને ગણતરીના અઠવાડિયા જ લાગે છે જ્યારે મહિલાઓએ કહ્યું કે તેમને આ વિષેનો અહેસાસ થવામાં થોડા મહિના લાગે છે. બાદમાં તેમનામાં શારીરિક સંબંધને લઇને ઇચ્છાઓ જાગે છે.
64 ટકા પુરુષોએ માન્યું કે પહેલા તેમણે 'હું તને પ્રેમ કરું છું' કહ્યું. જ્યારે આવું સ્વીકારનારી મહિલાઓનું પ્રમાણ 18 ટકા જ હતું.