જાણો ગુજરાતમાં કયા ઉદ્યોગોની બજેટમાં શું છે આશાઓ, વચનો નહીં પણ રાહત આપો

મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (12:21 IST)
બજેટને લઇને તમામ વ્યાપાર ઉદ્યોગ વિવિધ રાહતની અપેક્ષા સેવી રહ્યો છે. ત્યારે દેશમાં બીજા નંબરે આવતા ખાંડ ઉદ્યોગની શું આશા અને અપેક્ષા છે ?  કેન્દ્રીય બજેટને લઇને સમગ્ર દેશના વેપાર ઉદ્યોગ ની અપેક્ષા વધી ગઈ છે. ત્યારે ખાંડ ઉદ્યોગે પણ સરકારના બજેટ તરફ મીટ માંડી છે. છેલ્લા ઘણા સમયથી સુગર ફેક્ટરીઓ ટેક્સના મામલે ભીંસમાં મુકાઇ ગઇ છે. ત્યારે ખાંડ ઉદ્યોગને બજેટમાં રાહત આપવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખાંડના ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણની સરકારે ખાતરી તો આપી છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી રજૂ થતાં બજેટમાં આ મામલે સરકાર ખાંડ ઉદ્યોગને ખો આપી રહી છે. સતાપક્ષના જ આગેવાનોની અનેક વખતની રજૂઆત છતાં આ મામલે કોઇ ઉકેલ આવ્યો નથી. હવે વધુ એક વખત લોભામણા વચનોની લહાણી કરવામાં આવી રહી છે.

ખાંડ ઉદ્યોગના પડતર પ્રશ્નો અંગે કેન્દ્ર અને રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવી છે. જેમાં સુગર મિલોને વિવિધ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ મુખ્ય છે. આ મુદ્દે રાજ્ય સરકારને પણ રજૂઆત કરાઇ છે. બીજી તરફ ખેડૂતોને અપાતા ભાવો માટે સરકાર દ્વારા આયાત ડ્યુટી 25 ટકાથી વધારીને 40 ટકા સુધી લઇ જવામાં આવે તો ખાંડ બજારમાં તેજી આવે, તેમજ ખેડૂતો અને સુગર મિલોને ફાયદો થઇ શકે તેમ છે. સમગ્ર દેશ અને રાજ્યમાં ખાંડ ઉદ્યોગ મરણપથારીએ જઇ પડ્યો છે. સરકાર દ્વારા રાહત અપાઇ નથી. પરંતુ સુગર મિલોને ફાળવાયેલ 3200 કરોડની નોટિસનો મામલો હજુ પેન્ડીંગ છે. જેથી હવે આવનાર બજેટમાં ટેક્સમાંથી મુક્તિ મળે અને બજેટ ખાંડ ઉદ્યોગ તેમજ ખેડૂતો માટે હિતકારક નીવડે તેવી આશા સેવાઇ રહી છે.

સાબરકાંઠામાં વેપારીઓ અને કામદારો અને મધ્યમવર્ગીય લોકો સરકાર સામે ઇન્કમટેક્સ સહિત અન્ય રાહતો મળે તેની રાહ જોઇ રહ્યા છે. શું છે આગામી બજેટમાં સાબરકાંઠાના લોકોની આશા અને અપેક્ષાઓ ? આવો જોઇએ. વિવિધ પ્રકારના ટેક્સને કારણે ઓટોમોબાઇલ ઉદ્યોગની કમર ભાંગી ગઇ છે. તેમાં પણ રેપો રેટ ઘટવાના કારણે ઓટો મોબાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોને ઈએમઆઇની કોસ્ટ પણ પહેલા કરતા વધુ ભરવી પડી રહી છે. જેને લઈને કોમર્શીયલ વાહનોનું માર્કેટ ૭૦ ટકા ડાઉન થઇ ગયું છે. અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પણ ડામાડોળ થઇ ગયું છે. ત્યારે વિવિધ ટેક્સમાં રાહત મળે તેવી તેમની માંગણી છે. ગુજરાતમાં સિરામીક ક્ષેત્રમાં મોરબી બાદ સૌથી મોટું નામ સાબરકાંઠાનું છે. જિલ્લાભરમાં સિરામિક ફેકટરીના ૧૪ યુનિટ ધમધમી રહ્યા છે. પરંતુ જીએસટીનું ગ્રહણ સિરામીક ઉદ્યોગને પણ લાગ્યું છે. સિરામીક પર જીએસટી 18 ટકાથી ઘટાડી 12 ટકા કરાય તેવી ઉદ્યોગકારોની માંગ છે.

બજેટમાં જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ મોટી રાહત મળે તેવું ઈચ્છી રહ્યા છે. ખાસ કરીને સોના ઉપર સરકાર દ્વારા વસુલાતી ડ્યુટીમાં રાહત મળે તેવી વેપારીઓની માંગ છે. બીજી તરફ છૂટક વેપારીઓ પણ જીએસટીમાં સરળીકરણની સાથે સેસ નાબૂદ થાય તેમ ઇચ્છી રહ્યા છે. ખેડૂતો પણ તેમની ઉપજના ભાવ સરકાર દ્વારા પહેલેથી નક્કી કરાય તેવું ઇચ્છી રહ્યા છે. તો ગૃહિણીઓ પણ ઘરવપરાશની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો ઇચ્છી રહી છે. જીએસટીએ જીવનજરૂરિયાત સહિતની તમામ વસ્તુઓને મોંઘી કરી દીધી છે. ત્યારે સરકાર દ્વારા બજેટમાં જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવે અને આ મામલે પુનઃવિચારણા કરવામાં આવે તેવી તમામ વર્ગના લોકોની માંગણી છે.અફાટ અરબ સાગરને ખેડતા સાગર ખેડૂઓ વર્ષમાં ઘણા મહિનાઓ દરિયામાં જ વિતાવતા હોય છે. ત્યારે આ માછીમારોને પણ અનેક તકલીફો પડતી આવી છે. ત્યારે આગામી બજેટમાં માછીમારો પણ પોતાની સમસ્યાને વ્યકત કરી રહ્યા છે. અને આ બજેટમાં અનેક આશાઓ રાખી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરે છે. આ માછીમારો છાશવારે પોતાને પડતી તકલીફોને વ્યકત કરતા હોય છે. ત્યારે આગામી બજેટમાં માછીમારોએ પોતાની વ્યથા વ્યકત કરી છે. જેમાં બોટ માલિકો અને માછીમારોએ તેમને પણ જમીન ખેડૂતોની જેમ લાભ મળે ઉપરાંત ડીઝલ સબસીડી, નવી જેટી, કેરોસીનનો પૂરતો જથ્થો તેમજ પાકિસ્તાન મરિન્સ દ્વારા વારંવાર થતી કનડગત સહિતના મુદ્દે આ બજેટમાં નક્કર કામગીરી થાય તેવી આશા સેવી છે. અરબ સાગરમાં ક્યારેક કુદરતી તો ક્યારેક પાકિસ્તાન સર્જિત સમસ્યાઓથી માછીમારોની વિકટ સ્થિતી સર્જાતી હોય છે. ત્યારે માછીમારોને અનેક પડતર પ્રશ્નો અને માંગ છે જે આ બજેટમાં મહત્વની બની રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર