મુનવ્વર ફારૂકી: એક સમયે ઘર પણ નહોતું બચ્યું, જૂનાગઢથી મુંબઈ પહોંચીને બિગ બૉસ જીતવા સુધીની કહાણી
મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (09:10 IST)
મૂળ જૂનાગઢના મુનવ્વર ફારૂકી રિયાલિટી શો બિગ બૉસ 17ના વિજેતા બન્યા છે.
રવિવારે અભિનેતા અને શોના હોસ્ટ સલમાન ખાને તેમને ફિનાલેમાં બિગ બૉસ 17ના વિજેતા જાહેર કર્યા હતા.
તેમણે બિગ બૉસમાં ત્રણ મહિનાથી વધુ સમય સુધીની સફર કાપી અને લોકોના દિલમાં અને બિગ બૉસમાં પોતાનું સ્થાન બનાવ્યું.
મુનવ્વરને તેમના જન્મદિવસની ભેટ મળી છે અને તે ભેટ છે બિગબોસ સિઝન-17 ની એક ચમકદાર ટ્રૉફી. આ સાથે જ તેને એક લક્ઝુરિયસ કાર અને 50 લાખ રૂપિયાની રકમ પણ મળી છે.
જોકે, મુનવ્વરની આ સફર એટલી સરળ ન હતી. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણા ઉતાર-ચઢાવ જોયા. શો દરમિયાન ક્યારેક તેમણે દર્શકોને હસાવ્યા તો ક્યારેક તેઓ પોતે જ રડ્યા.
અભિષેકકુમાર બિગબોસમાં બીજા ક્રમે રહ્યા.
બિગ બૉસમાં કેવી રહી સફર?
બિસ બૉસ શો દરમિયાન મુનવ્વર પોતાના અંગત જીવનની કેટલીક વાતો સામે લાવ્યા.
શોમાં એક રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે આયેશા નામનાં પ્રતિસ્પર્ધીએ શોમાં ઍન્ટ્રી લીધી. આયેશા અને મુનવ્વર પહેલાંથી એકબીજાને ઓળખતાં હતાં અને બંનેનો નિકટનો સંબંધ હતો.
શોમાં આયેશાએ મુનવ્વર વિશે જે કહ્યું તે ઘણું ચર્ચામાં રહ્યું. આયેશાના શોમાં આવ્યા બાદ મુનવ્વરને ઘણું નુકસાન થયું.
શો જીત્યા બાદ એક મીડિયા સંસ્થાને મુનવ્વરને ઇન્ટરવ્યૂમાં આયેશાની ઍન્ટ્રી પર પ્રશ્ન કર્યો અને પૂછ્યું કે શું તમે શો જીતવાની આશા ગુમાવી ચૂક્યા હતા?
તેમણે કહ્યું હતું કે, "મેં આશા ક્યારેય નહોતી છોડી. હા એ સમય એવો હતો જ્યારે હું ભટકી ગયો હતો. પરંતુ શો જીતવાની આશા મેં ક્યારેય નહોતી છોડી. બિગ બૉસના ઘરમાં થોડો સમય એવો હતો જ્યારે મને લાગ્યું કે લક્ષ્ય સુધી પહોંચું એ પહેલાં મારે કેટલીક વાતોને સરખી કરવી પડશે કારણ કે જો મારી ગાડી પંક્ચર હોય તો હું આગળ નહીં વધી શકું. એટલે હું રોકાયો, ગાડી ઠીક કરી અને પછી આગળ વધ્યો."
મુનવ્વરેને જ્યારે પૂછવામાં આવ્યું કે કેટલાક લોકો તમને મહિલાઓના મામલામાં દગાખોર કહે છે, તેના પર શું કહેશો?
મુનવ્વરે કહ્યું, "એ સાંભળીને તકલીફ થાય છે. સાંભળવામાં સારું નથી લાગતું. મારા માટે આ બધી વાતો પરેશાન કરનારી છે. પરંતુ હું માનું છું કે સમય સાથે આ વાતોનું પણ સમાધાન થશે. મેં જે કર્યું તેના માટે હું શર્મિંદા છું."
શો દરમિયાન મુનવ્વરે કહ્યું હતું કે હું શોના હિસાબથી રમતો હતો, ક્યારેય કોઈની પીઠ પાછળ ચુગલી નથી કરી.
મુનવ્વર ફારૂકીની યાત્રા
મુનવ્વર ફારૂકીનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેના જીવનમાં સંઘર્ષ બાળપણથી જ શરૂ થયો હતો. તેનું ઘર 2002ના ગુજરાત રમખાણોમાં ધ્વસ્ત થઈ ગયું હતું. તેઓ જ્યારે 16 વર્ષના થયા ત્યારે તેમણે તેમનાં માતાને ગુમાવ્યાં હતાં. મુનવ્વરના પિતા તેમને અને તેમની ત્રણ બહેનોને મુંબઈ લાવ્યા હતા અને જીવન નવેસરથી શરૂ કરવા માગતા હતા.
મુંબઈ આવ્યા બાદ તેઓ ડોંગરી વિસ્તારમાં રહેવાનું શરૂ કરે છે. પરંતુ ફરીથી કિસ્મત તેમનો સાથ આપતી નથી અને મુંબઈ આવ્યા બાદ તરત જ તેમના પિતા પથારીવશ થઈ જાય છે. માત્ર 17 વર્ષની ઉંમરે મુનવ્વરે તેમના સમગ્ર પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી.
બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે બાળપણમાં વાસણ વેચવાનું અને ગ્રાફિક્સ આર્ટિસ્ટનું કામ કર્યું હતું.
પોતાની આજીવિકા ચલાવવા માટે મુનવ્વરે માટીકામની દુકાનમાં કામ કર્યું. કૉમ્પ્યુટરનો કોર્સ કર્યો અને ગ્રાફિક ડિઝાઇનિંગ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, તેમણે પોસ્ટરો પર છપાયેલી વન-લાઇનર પંચલાઇન લખવાનું શરૂ કર્યું અને લખતી વખતે તેમને સમજાયું કે તેઓ સ્ટૅન્ડઅપ કરી શકે છે.
વર્ષ 2020માં મુનવ્વરે યૂટ્યુબની દુનિયામાં તેમની સફર પણ શરૂ કરી. તેમણે પોતાનો પહેલો સ્ટૅન્ડઅપ વીડિયો પૉલિટિક્સ ઇન ઇન્ડિયાના નામે અપલોડ કર્યો. આ વીડિયો હિટ થયો અને તે લોકપ્રિય થઈ ગયા.
મુનવ્વર ફારૂકી કૉમેડીની દુનિયામાં કેવી રીતે આવ્યા?
ધ પ્રિન્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ મુનવ્વરના મિત્ર અને કૉમેડી શોનું આયોજન કરનાર ધ હેરિટેજના ફાઉન્ડર બલરાજસિંહ ઘઈએ આ વિશે જણાવ્યું હતું.
બલરાજસિંહ ઘઈએ કહ્યું હતું કે, "એક વખત મુનવ્વરે મને જણાવ્યુું હતું કે તેઓ કોઈ ઍડની શૂટિંગ થઈ રહ્યું હતું, તેની પાસે હતા. ત્યાં કોઈ સ્ટૅન્ડ અપ કૉમેડીનો સીન ચાલી રહ્યો હતો. પ્રોડ્યૂસર પાસે કોઈ અલગથી હતું નહીં જે જઈને મંચ પર કૉમેડ સ્ટૅન્ડઅપ કરી શકે. ત્યારે પ્રોડ્યૂસરે મુનવ્વરને કહ્યું કે તું સ્ટેજ પર જઈને બે લાઇન બોલી દે. ત્યાર બાદ તેઓ અમારા કેટલાક શોમાં આવ્યા અને હિટ થઈ ગયા."
મુનવ્વરના સંબંધી જણાવે છે કે શરૂઆતમાં પરિવારને સ્ટૅન્ડઅપ કૉમેડીનું કામ ટાઇમપાસ લાગતું હતું. પણ જ્યારે મુનવ્વરની લોકપ્રિયતા વધી અને લોકો આવીને મુનવ્વર સાથે સેલ્ફી લેતા ત્યારે સમજાયું કે આ ગંભીર છે.
વર્ષ 2021માં તેઓ મધ્યપ્રદેશમાં પરફૉર્મ કરી રહ્યા હતા. ત્યાં તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
તેઓ 35 દિવસ સુધી જેલમાં રહ્યા, ત્યારબાદ તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા. જેલમાંથી બહાર આવ્યા બાદ મુનવ્વર વધુ ચર્ચામાં આવ્યા હતા. વર્ષ 2022માં, તેઓ કંગના રનૌતના રિયાલિટી શો લૉકઅપનો ભાગ બન્યા અને તે શોનું ટાઇટલ જીત્યું. આ રિયાલિટી શો જીત્યા બાદ મુનવ્વરની લોકપ્રિયતામાં વધુ વધારો થયો હતો.
મુનવ્વરનાં લગ્નની વાત
લૉઅપ શોમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે મુનવ્વર ફારૂકીના વિવાહિત હોવાની વાત પ્રકાશમાં આવી.
શોમાં સોશિયલ મીડિયા પર ત્યારે મુનવ્વરની એક તસવીરને બતાવવામાં આવી.
આ તસવીરમાં મુનવ્વર એક મહિલા અને બાળક સાથે દેખાય છે. આ બ્લર તસવીર શોમાં બતાવવામાં આવી ત્યારે તેમણે વિવાહિત હોવાની વાત સ્વીકાર કરી લીધી હતી.
સાથે જ મુનવ્વરે એમ પણ કહ્યું કે, "અમે લગભગ દોઢ વર્ષથી અલગ રહીએ છીએ. આ મારી એક એવી પ્રાઇવેટ વાત છે જેના વિશે હું શો પર વાત કરવા નથી માગતો."
લૉકઅપ શોમાં મુનવ્વરની અંજલિ અરોડા સાથે કેમેસ્ટ્રી ચર્ચામાં હતી.
જોકે શોમાંથી બહાર આવ્યા બાદ તેઓ સોશિયલ મીડિયા પર પ્રેમિકા નાજિલા સાથે દેખાયા હતા. હવે બંને અલગ થઈ ગયાં છે. એક ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન નાજિલાએ મુનવ્વર વિશે કેટલીક વાતો કહી જે ચર્ચામાં રહી.
બિગ બૉસ 17માં મુનવ્વરે જણાવ્યું કે તેમના છૂટાછેડા થઈ ગયા છે અને તેમનો પુત્ર તેમની સાથે રહે છે. તેમના પુત્રને પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શોના એક એપિસોડમાં બતાવવામાં આવ્યો હતો.
આ દરમિયાન, આયેશા નામની યુવતીને બિગ બૉસમાં વાઇલ્ડ કાર્ડ ઍન્ટ્રી મળે છે અને પછી ખબર પડે છે કે મુનવ્વર તેમની સાથે રિલેશનશિપમાં છે. શોમાં આયેશાની ઍન્ટ્રી બાદ મુનવ્વરની ઇમેજને ઘણું નુકસાન થયું હતું. બંને વચ્ચેની લડાઈ બધાની સામે આવી ગઈ.
મુનવ્વરની એ વાતો પણ સામે આવી જેના વિશે મુનવ્વર ક્યારેય જાહેરમાં ચર્ચા કરવા માગતા ન હતા.
કૉમેડી શોથી વિવાદમાં આવ્યા હતા મુનવ્વર
મુનવ્વરના સોશિયલ મીડિયા પર લાખો ફૉલોઅર્સ છે.
યૂટૂયબ પર મુનવ્વરનો પહેલા વીડિયો વર્ષ 2020માં આવ્યો હતો. અનેક જગ્યાએ સ્ટૅન્ડઅપ કૉમેડીમાં હિંદુ દેવી-દેવતાઓ અને ગૃહમંત્રી અમિત શાહ પર કથિત અભદ્ર ટિપ્પણી કરવાના આરોપમાં મુનવ્વર અને ચાર લોકોની એક જાન્યુઆરી 2021ના ઇંદોર પોલીસે ધરપકડ કરી હતી.
એક મહિના સુધી જેલમાં રહ્યું હતું અને તેમની જામીન અરજી ફગાવતા મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇંદોર બૅન્ચે કહ્યું હતું કે, "આવા લોકોને છોડવા ન જોઈએ."
જેલમાંથી છૂટ્યા બાદ મુનવ્વરે મીડિયાથી દૂર રહેતા હતા અને એક યૂટ્યૂબ વીડિયો લીવિંગ કૉમેડી પોતાની ચેનલ પર પબ્લિશ કર્યો હતો.
તેના અંતમાં તેમણે કહ્યું હતું કે, "કૉમેડી તો નહીં છોડી શકું. કારણ કે કૉમેડી છોડવાનાં અનેક કારણ છે પરંતુ કૉમેડી કરવાનું એકજ કારણ છે... એ અવાજ જે મંચ પર બોલાવે છે."
મુનવ્વર હવે કૉમેડી અને ગીતોવાળા વીડિયોઝમાં જોવા મળે છે.
બીબીસી ગુજરાતીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેઓ પોતાને માત્ર સ્ટેન્ડઅપ કૉમેડિયન નહીં પરંતુ લેખક ગણાવે છે. તેમના ઘણા રેપ સૉંગ પણ વાઇરલ થયા છે.
તેમના ચાહકો તેના વિશે શું વિચારે છે તેનાથી મુનવ્વરને હંમેશાં ડર લાગે છે.
પરંતુ આજે જ્યારે તે ટૉપ થ્રીમાં પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. જનતાએ તેને માત્ર અપાર પ્રેમ જ નથી આપ્યો પરંતુ તેમને બિગબોસ 17ના વિજેતા પણ બનાવ્યા છે.