સત્યમેવ જયતે : આમિર ખાનનો ચોથો પ્રહાર મેડિકલ સિસ્ટમ પર

P.R
આમિર ખાનના પહેલા ટીવી શો 'સત્યમેવ જયતે'ના ચોથા એપિસોડમાં તેણે દેશની કથળી ગયેલા અને બિમારી સ્વાસ્થ્ય વિભાગની કામગીરી પર નિશાનો તાક્યો હતો. તેણે આ એપિસોડમાં એક એવા પરિવારની વાત રજૂ કરી હતી જેમની પરવાનગી વગર તેમના પરિવારના સદસ્ય પર સર્જરી કરવાને લીધે તેમણે જીવ ગુમાવ્યો હતો.

શોમાં એવા પણ ઘણા કિસ્સાઓ રજૂ કર્યા હતાં જેમાં દર્દીની સમસ્યા તો નાની જ હતી પણ વધારે પૈસા રળવા માટે ડોક્ટરોએ તેમને મોટી મોટી બિનજરૂરી સર્જરી કરવા માટેની ફરજ પાડી હતી.

નવી મેડિકલ કોલેજોને લાયસન્સ આપવા, મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સીટની સંખ્યા નક્કી કરવી, ડોક્ટરોનું રજીસ્ટ્રેશન, તેમના લાયસન્સ રદ કરવા જેવી લગભગ બધી જ મેડિકલ વિભાગને લગતી બાબતો પર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ધ્યાન રાખે છે. આમિરે પોતાના શોમાં એમસીઆઈના પ્રેસિડન્ટ ડો. ગુલાટીને બોલાવ્યા હતાં. અને વાતચીતને બદલે લગભગ ઈન્ટરોગેશનની જેમ જ એક પછી એક પૂરાવાઓ સહિતની માહિતી આપીને ડો. ગુલાટીની લગભગ બોલતી જ બંધ કરી દીધી હતી.

આમિરે તો કરણ થાપર કરતા પણ વધારે સારી અને અસરકારક રીતે ડો. ગુલાટીનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. આ સમયે ડો. ગુલાટી પણ મૂંઝવણમાં પડી ગયા હતાં કે ક્યા પ્રશ્નનો જવાબ આપવો અને ક્યા પ્રશ્નનો નહીં.

આખરે તેઓ માત્ર આમિરને ખાતરી આપી શક્યા કે માત્ર પૈસા કમાવા માટે દર્દીઓના સ્વાસ્થય સાથે છેડા કરતા ડોક્ટરો સામે કડક પગલા લેશે.

આમિરે એ આંકડાઓ પણ વાંચી બતાવ્યા હતાં જેમાં છેલ્લા 3 વર્ષમાં ઈંગ્લેન્ડમાં ગેરનિતી આચરનારા કેટલા ડોક્ટરના લાયસન્સ હંમેશા માટે રદ થયા છે. આ તરફ જ્યારે તેણે આરટીઆઈ દ્વારા ભારતમાં છેલ્લા 50 વર્ષમાં કેટલા ડોક્ટરના લાયસન્સ હંમેશા માટે રદ થયા છે ત્યારે તેને માત્ર છેલ્લા 4 વર્ષની માહિતી અપાઈ હતી અને તેમાં પણ એક પણ ડોક્ટરનું લાયસન્સ રદ નથી થયું.

આમિરે મેજર જનરલ જિન્ગોન સાથે પણ વાત કરી હતી જેઓ એમસીઆઈના ઈન્સપેક્શન ઈનચાર્જ બન્યા હતાં પણ તે વિભાગની કાર્યશૈલી જોઈને એક જ વર્ષમાં રાજીનામું આપી દીધુ હતું. તેમણે કહ્યુ હતું કે, "ત્યા બધી જ વસ્તુનો અર્થ માત્ર પૈસા પૈસા પૈસા જ કાઢવામાં આવતો હતો."

શોમાં આંધ્ર પ્રદેશના એક વિસ્તારની મહિલાઓની દયાજનક પરિસ્થિતિ વિશે પણ ઉલ્લેખ કરાયો હતો જેમને કોઈ સ્પષ્ટ કારણ વિના જ તેમનું ગર્ભાશય કાઢવાની સર્જરી કરવા માટે કહેવાયું હતું. અત્યારે તેમની સ્થિતિ ઘણી દયનીય છે.

રાજસ્થાનના ડો. શમિત શર્માની મદદથી આમિરે દર્શકોને એ વિશે માહિતી આપી હતી કે અમુક સામાન્ય દવાઓ બહુ જ વ્યાજબી ભાવે પણ મળી શકે છે જે અન્ય બ્રાન્ડેડ જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવાતી દવાઓ કરતા ઘણી ઓછી કિંમતની હોય છે.

શોમાં ડો. દેવી શેટ્ટીની ખાસ મેડિકલ ઈન્શ્યોરન્સ સ્કિમ વિશે પણ વાત કરવામાં આવી હતી જેમાં દર્દીઓ બહુ જ ઓછા ભાવે કોઈ પણ સર્જરી કરાવી શકે છે.

વેબદુનિયા પર વાંચો