Tokyo Paralympics 2020: પીએમ મોદી ટોક્યો પૈરા ઓલંપિકમાં ભાગ લેવા જઈ રહેલ એથલીટો સાથે કરી વાત

બુધવાર, 18 ઑગસ્ટ 2021 (13:49 IST)
ટોક્યોમાં 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન આ પેરાલિમ્પિક ગેમ્સ યોજાવાની છે. આ વખતે ભારત તરફથી સૌથી મોટી ટુકડી આ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી ટોક્યો ઓલિમ્પિક રમતોમાં ભારતના રમતવીરોએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. ભારતે આ રમતોમાં એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા. હવે દેશને પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય રમતવીરો પાસેથી મેડલ જીતવાની આશા છે.
 
કેન્દ્રીય રમતમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે દેશભરના એથલીટોને ટેકો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. રમત મંત્રીએ કહ્યું કે, તમારું પ્રોત્સાહન યુવાનોને રમતગમતમાં ભાગ લેવા અને તેમાં સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે.
 
આ દરમિયાન, વડા પ્રધાન સાથે વાત કરતા, પેરા આર્ચર રાકેશ કુમારે પોતાનો અનુભવ શેર કર્યો અને જણાવ્યું કે કેવી રીતે અકસ્માત બાદ તમામ અપેક્ષાઓમાંથી બહાર આવીને તેમણે આ મુકામ પ્રાપ્ત કર્યો છે.
 
પેરા એથલીટો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, તમારા બધા સાથે વાત કરવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે, એવું લાગે છે કે ભારત આ વખતે પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. હું તમામ ખેલાડીઓ અને તમામ કોચને સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પીએમએ આગળ કહ્યું, હું જોઉં રહ્યો છું કે તમારો આત્મવિશ્વાસ અને કંઈક પ્રાપ્ત કરવાની તમારી ઇચ્છાશક્તિ અમર્યાદિત છે
 
 વડાપ્રધાને આગળ કહ્યું, તમે બધાએ આ સ્તર હાંસલ કર્યું છે, તમે વાસ્તવિક ચેમ્પિયન છો, તમે જીવનની રમતમાં મુશ્કેલીઓને હરાવી છે, એક ખેલાડી તરીકે તમારી જીત મહત્વની છે. પીએમ મોદીના મુજબ હું વારંવાર કહું છું કે આજે નવી વિચારસરણીનું ભારત પોતાના ખેલાડીઓ પર મેડલ જીતવા માટે દબાણ નથી કરતું, તમારે માત્ર 100 ટકા તમારુ યોગદાન આપવાનુ છે. 
 
યુવા મામલા અને રમત મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવ અલગ અલગ રમતના 54 પેરા એથ્લેટ દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જશે. તે પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. ભારતીય રમતવીર 27 ઓગસ્ટના રોજ પુરુષો અને મહિલાઓની તીરંદાજી સ્પર્ધાઓથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર