Saff Championship: ભારતે પાકિસ્તાનને ધમાકેદાર અંદાજમાં હરાવ્યુ, જીતનો તાજ આ ખેલાડીઓ પર

ગુરુવાર, 22 જૂન 2023 (10:07 IST)
SAFF Championship
SAFF ચેમ્પિયનશિપમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. મેચની શરૂઆતથી જ, ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને મોટાભાગનો સમય બોલને તેમના કોર્ટમાં રાખ્યો. મેચમાં આવી ઘણી ક્ષણો આવી જ્યારે પાકિસ્તાની ખેલાડીઓએ ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. ભારત માટે સુકાની સુનીલ છેત્રીએ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ ગોલ કર્યા અને ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.

ભારતે જીતી મેચ   
જ્યારે બેંગ્લોરના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શરૂ થઈ હતી. ત્યારે હળવો વરસાદ વરસી રહ્યો હતો. મેચની 10મી મિનિટે પાકિસ્તાની ગોલકીપરે ખૂબ દૂર સુધી બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય કેપ્ટને તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને ગોલ કર્યો. ત્યારબાદ પાકિસ્તાનના ડિફેન્ડરે બોક્સમાં ભૂલ કરી અને તેના કારણે ભારતને પેનલ્ટી મળી. ત્યારબાદ કેપ્ટન છેત્રીએ 15મી મિનિટે ફરી ગોલ કરીને ભારતીય ટીમને 2-0ની સરસાઈ અપાવી હતી. ટીમ ઈન્ડિયા ઘણા મહત્વપૂર્ણ પ્રસંગોએ લીડ લેવાનું ચૂકી ગઈ.
 
ભારતીય કોચ સાથે પાકિસ્તાની ખેલાડીઓની ઝપાઝપી
પહેલા હાફ દરમિયાન ભારતીય કોચ ઈગોર સ્ટીમિક અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જ્યારે પાકિસ્તાની ખેલાડી બોલ ફેંકી રહ્યો હતો. ત્યારબાદ ભારતીય કોચે બોલ છીનવી લીધો, જેના કારણે બાદમાં ખેલાડીઓ અને કોચ વચ્ચે બોલાચાલી થઈ. ભારતીય ખેલાડીઓ પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે લડતા જોવા મળ્યા હતા. રેફરીએ ભારતીય કોચ અને મેનેજરને રેડ કાર્ડ બતાવ્યું. સાથે જ પાકિસ્તાની કોચને યલો કાર્ડ દેખાડવામાં આવ્યું હતું.
 
આ ખેલાડીઓએ  કર્યું શાનદાર પ્રદર્શન
બીજા હાફમાં ભારતીય ટીમ પહેલા કરતા વધુ આત્મવિશ્વાસથી ભરેલી જોવા મળી હતી. 74મી મિનિટે ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો, જેના પર કેપ્ટન સુનીલ છેત્રીએ ગોલ કરવામાં કોઈ ભૂલ કરી નહીં. આ સાથે તેણે મેચમાં પોતાની હેટ્રિક પૂરી કરી. છેત્રીએ હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 90 ગોલ કર્યા છે. ત્રણ ગોલથી પાછળ રહેલી પાકિસ્તાની ટીમે વાપસીની આશા છોડી દીધી હતી. ત્યારબાદ ઉદંતા સિંહે 81મી મિનિટે ગોલ કરીને ભારતીય ટીમને 4-0થી આગળ કરી દીધી હતી. આ લીડ અંત સુધી જાળવી રાખી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર