દ્રારકા

રવિવાર, 3 જૂન 2007 (09:41 IST)
હાથી ઘોડા પાલકી...

ભગવાન કૃષ્ણએ બનાવેલી સોનાની દ્રારકા નગરી તો જળમગ્ન થઇ ગઇ છે,પરંતુ આ ઘરતી પર કૃષ્ણપ્રેમ અવિરત રહ્યો છે. ગુજરાતમાં દ્રારકા અને ડાકોર ખાતે આવેલા પ્રાચિન કૃષ્ણ મંદિરો ખૂબ પ્રસિધ્ધ છે. કહેવાય છે કે કંસનાં સસરા જરાસંઘના મથુરા નગરી પર થતાં આક્રમણોથી જનતાને મુક્ત કરવા ભગવાને સૌ નગરજનો સાથે કુશસ્થળી સ્થળાંતર કર્યુ હતું.

દ્રારકામાં આવેલું ભગવાન સુદર્શન ધારીનું મુખ્ય મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. વર્ષ દરમ્યાન ઘણી વખત યાત્રા સંઘો અને ભકતગણો બાવન ગજ ની ધજાઓ સાથે ડાકોર અને દ્રારકા દર્શન માટે આવે છે.

ડાકોર અને દ્રારકાના મંદિરો સાથે પ્રાચિનકાળનાં કૃષ્ણભક્ત બોડાણાની કથા પણ જોડાયેલી છે. બોડાણાની અવિચલ ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન કૃષ્ણ બળદગાડામાં બેસીને દ્રારકાથી ડાકોર આવ્યા હોવાની દંતકથા પ્રચલિત છે. કહેવાય છે કે હાલમાં ડાકોરમાં રહેલી રણછોડરાયની મૂર્તિ એ મૂળ દ્રારકામંદિરની છે.

દ્રારકાધિશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુઓ છે. 60 થાંભલાઓ પર ઉભાકરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્રારકાથી ત્રીસ કિ.મી.દુર બેટ-દ્રારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્રારકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ-દ્રારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.

ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીને કિનારે આવેલું છે. આ બન્ને મંદિરોમાં સવારે મંગળાદર્શન થી લઇને રાત્રીના શયન સુઘીના વિવિઘ દર્શનનો મહિમા અનેરો છે.

દ્રારકા અને ડાકોરમાં જન્માષ્ટ્રમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લાખો ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શને આવીને ધન્યતા અનુભવે છે. "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી" અને "મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે" જેવા ગગન ભેદી નારાઓથી મંદિર ગૂંજી ઉઠે છે. જાણે દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુન:પ્રાગટ્ય થયું હોય તેવો માહોલ સર્જાય છે.

વેબદુનિયા પર વાંચો