ગુજરાતમાં બે રાજ્યસભાની સીટો ખાલી થઇ, ભાજપ-કોંગ્રેસને 1-1 બેઠક મળશે, જાણો સમીકરણ

બુધવાર, 2 ડિસેમ્બર 2020 (11:02 IST)
ગુજરાતની બેઠક પરથી રાજસભામાં ચૂંટાયેલા કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અને અજય ભારદ્વાજનું નિધન થયું છે. જેથી  હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે. અહેમદ પટેલના નિધન બાદ તેમનો પરિવાર રાજકારણમાં આવશે એવી અટકળો તેજ બની છે. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ સિદ્દીકી પૈકી કોઈ એક રાજકારણમાં આવશે એવી અટકળો વચ્ચે ફૈઝલ અને મુમતાઝ બંનેએ સ્પષ્ટતા કરી છે કે, રાજકારણમાં આવવાનો હાલમાં તેમનો કોઈ ઈરાદો નથી. લોકોના આગ્રહ છતાં બંનેએ રાજકારણમાં પ્રવેશવા માટે હાલ પૂરતો ઈનકાર કર્યો હતો.
 
અહેમદ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર ટૂંક સમયમાં ચૂંટણી યોજાય તો ભાજપ તેની બેઠક વિધાનસભામાં પોતાના સભ્યોના સંખ્યાબળને આધારે જીતી શકે તેમ હતું, પરંતુ હવે ભારદ્વાજના નિધનને કારણે ખાલી પડેલી બેઠકને કારણે મતોની સંખ્યા વહેંચાવાથી કોંગ્રેસ એક બેઠક મેળવી શકશે.
 
બે બેઠક ખાલી પડી હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા જરૂરી મતોની ગણતરી પ્રમાણે હાલ ઉમેદવારને જીતવા માટે 61 મત જોઈએ. હાલ ભાજપ પાસે 111 ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે હજુ બીજા 11 ધારાસભ્યો જોઇએ, જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે અને તે એક બેઠક જીતવા માટે પૂરતા છે.
 
ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિને જોતાં ચૂંટણી બિનહરીફ થશે, ભાજપ હાઇકમાન્ડ બીજી બેઠક માટે કોઇ ઉમેદવારને ઉભો નહી રાખે. તો આ તરફ કોંગ્રેસે કહ્યું હતું કે ભાજપ શું કરશે તે કહી ન શકાય. ભાજપ હજુપણ તોડજોડના પ્રયત્નો કરી શકે છે. જોકે આવા મુદ્દાઓથી કોંગ્રેસની સ્થિતિ નબળી થઇ શકે છે. 
 
જોકે ભાજપ કોઇ દલિત કેન્ડીડેટને મેદાને ઉતારી શકે છે. ભાજપના નેતા રમણલાલ વોરા અથવા શંભુપ્રસાદ ટુંડિયાને સ્થાન મળી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી ઇચ્છે તો તેમને ટિકીટ મળી શકે તેમ છે નહીતર અન્ય નેતાને ચાન્સ આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર