આપના ધારાસભ્યો ભાજપમાં જોડાશે? શું સ્પષ્ટતા કરી?

સોમવાર, 12 ડિસેમ્બર 2022 (09:20 IST)
આજે ભૂપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્ય મંત્રીપદના શપથ લેશે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની પણ ચર્ચા થઈ રહી છે.
 
પાર્ટીના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે તે વાતો વહેતી થઈ છે, જોકે આપે તેને રદિયો આપ્યો છે.
 
આમ આદમી પાર્ટીની ટિકિટ પર વીસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીની ગાંધીનગર મુલાકાત બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી.
 
જોકે તેમણે આ વાતને માત્ર અફવા ગણાવી છે.
 
ભાયાણીએ સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં તેમના ભાજપમાં સામેલ થવાની વાતોને ‘અફવા’ ગણાવી હતી.
 
પરંતુ આ વાતચીતમાં તેમણે પોતે ‘ભાજપના પરિવારના સભ્ય’ હોવાનું, ‘વડા પ્રધાન મોદી માટે ગૌરવ અનુભવતા’ હોવાનું જણાવ્યું હતું.
 
એવી અટકળો છે કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલી પાંચેય ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.
 
જોકે આપના ધારાસભ્યોએ તેને માત્ર અફવા ગણાવી હતી અને ભાજપમાં ક્યારેય નહીં જોડાય તેવું જણાવ્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટ મળી છે, જેમાં જામજોધપુર, વીસાવદર, ગારિયાધાર, બોટાદ અને ડેડિયાપાડાનો સમાવેશ થાય છે.
 
ભૂપેન્દ્ર ભાયાણી (વીસાવદર), ઉમેશ મકવાણા (બોટાદ), હેમંત આહીર (જામજોધપુર), સુધીર વાઘાણી (ગારિયાધાર) અને ચૈતર વસાવા આપના પાંચ ધારાસભ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર