પ્રતિબંધ છતાં ભારે વાહનો સુરત શહેરમાં કેમ પ્રવેશે છે, ભાજપના ધારાસભ્યનો ટ્રાફિક DCPને પત્ર

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (17:15 IST)
ભારે વાહનો પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરતાં હોવા છતાં પોલીસ કાર્યવાહી કરતી નથીઃ કુમાર કાનાણી
 
 
સુરતમાં વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. તેમણે સુરત ટ્રાફિક DCPને પત્ર લખીને પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશી રહ્યાં છે તેની ફરિયાદ કરી હતી. તેમણે પત્રમાં કહ્યું હતું કે, ભારે વાહનો પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરતાં હોવા છતાં પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવતી નથી તેનું કારણ શું છે? તેમણે પત્રમાં આ પાછળનું કારણ જાણવાની માંગ કરી હતી. 
 
વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત ટ્રાફિક DCPને એક પત્ર લખીને પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશે છે તેવી ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા હોવાની ફરિયાદ કરી છે. સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી પ્રતિબંધનો કડક અમલ કરો. અન્ય ભારે વાહનો માટે સવારે 8.00 થી બપોરે 1.00 તથા સાંજે 5.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે.
 
આ પાછળનું કારણ લેખિતમાં દિન-7 માં જણાવશો
તેમણે પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે, ભારે વાહન ચાલકો કોઈપણ ડર વગર બેફામ વાહનો ચલાવે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો કુમાર કાનાણીના આરોપથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેનું કારણ લેખિતમાં દિન-7 માં જણાવશો તેવી માંગ કુમાર કાનાણીએ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર