ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે? ફરી ધોધમાર વરસાદ ક્યારે થશે?

મંગળવાર, 20 જૂન 2023 (06:41 IST)
આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત તેના નિર્ધારિત સમય કરતાં મોડી થઈ હતી. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 1 જૂનના રોજ થતી હોય છે. પરંતુ આ વર્ષે 8 જૂનના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું. 8 જૂનના રોજ ચોમાસું પહોંચ્યું એ પહેલાં જ 6 જૂનના રોજ વાવાઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. જે બાદ તે તાકતવર બની અને આગળ વધી. જેના લીધે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ હતી.
 
હાલ ચોમાસાની અરબી સમુદ્રની બ્રાંચ કેરળ, તામિલનાડુ, કર્ણાટકના કેટલાક વિસ્તારો તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી 11 જૂનના રોજ જ થઈ ગઈ હતી. જે બાદ ચોમાસું આગળ વધ્યું નથી, છેલ્લા 8 દિવસથી ચોમાસું કોકણ વિસ્તારમાં સ્થિર છે. 11 જૂનથી 19 જૂન સુધી ચોમાસાની પ્રગતિ થઈ નથી. હવામાન વિભાગનું કહેવું છે કે હવે એવું અનુકૂળ હવામાન સર્જાઈ રહ્યું છે કે 2થી 3 દિવસમાં ફરી ચોમાસું આગળ વધશે. 
 
કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થયેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. રાજ્યમાં 4 દિવસ સુધી વાવાઝોડાની અસર રહી હતી અને તેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો. હવામાન વિભાગ (અમદાવાદ)નાં વડાં મનોરમા મોહંતી અનુસાર દક્ષિણપશ્ચિમનું ચોમાસું ભારતના પશ્ચિમ કાંઠે આગળ વધે છે અને મહારાષ્ટ્ર પછી મુંબઈમાં બેસે છે, તેના બે-ત્રણ દિવસો બાદ ગુજરાતમાં ચોમાસું બેસે છે.
 
હાલ ચોમાસું કોકણના વિસ્તારમાં સ્થિર થયેલું છે, ત્યાંથી આગળ વધશે એટલે લગભગ 2 દિવસમાં તે મુંબઈ સુધી પહોંચી જશે. જે બાદ બે કે ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 25 જૂન બાદ ફરીથી વરસાદ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
 
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત બાકીના વિસ્તારો કરતાં વહેલી થાય છે એટલે ત્યાં ચોમાસું 25 જૂનની આસપાસ બે ત્રણ દિવસ વહેલું કે મોડું પહોંચે તેવી શક્યતા છે.
 
ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ ક્યારે થશે?
 
હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગના આંકડાકીય મૉડલ અનુસાર હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 27 જૂન બાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.
જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલની સ્થિતિ મુજબ જોવા મળી રહી છે.
 
ગુજરાતમાં હાલ વાવાઝોડાના કારણે જ્યાં પૂરતો વરસાદ નથી થયો ત્યાં પણ આ રાઉન્ડમાં વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડાની બાકી રહેલી સિસ્ટમ આગળ વધી ગયા બાદ હવે ચોમાસા માટે રસ્તો ખૂલ્લો થયો છે. હવામાન વિભાગે એવી સંભાવના વ્યક્ત કરી છે કે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડી બંને બાજુ એકથી બે દિવસમાં ચોમાસું આગળ વધશે.
 
બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં તેની સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. 19 જૂન સુધીમાં ગુજરાતમાં 133.2 મિલીમિટર વરસાદ થયો છે જે તેની સરેરાશ 46.1 મિલીમિટર કરતાં 189 ટકા વધારે છે. સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં 318 મિમી, કચ્છમાં 276 મિમી, બનાસકાંઠામાં 235.9 મિમી વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તેની સરેરાશ કરતાં ખૂબ વધારે વરસાદ થઈ ગયો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર