RTE પ્રવેશ પ્રક્રિયાનો અંતિમ તબક્કો, આ તારીખ સુધી શાળાઓની પુનઃ પસંદગી કરી શકાશે

સોમવાર, 19 જૂન 2023 (15:35 IST)
RTE -2009 અંતર્ગત અરજી કરેલી હોય તેવા વિધાર્થીઓ અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડના અંતે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓ તા.21/06/2023, બુધવાર સુધીમાં RTEના વેબપોર્ટલ https://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે.

આ માટે શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ સમગ્ર રાજ્યમાં અંગ્રેજી માધ્યમની 13,086 ગુજરાતી માધ્યમની 15,404, હિન્દી માધ્યમની 2828, અન્ય માધ્યમની 291 સહિત કુલ 31,609 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલ હોય અને RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. જેથી, વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય. RTE ACT- 2009ની અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 04/05/2023 તથા બીજો રાઉન્ડ તા. 29/05/2023નાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. બન્ને રાઉન્ડના અંતે એકંદરે 59,869 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ફાળવવામાં આવેલ પ્રવેશ પૈકી 51,520 જેટલા બાળકોએ પ્રવેશ ફાળવાયેલ શાળાઓમાં જઈ પ્રવેશ સુનિશ્ચિત કરાવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર