'મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે? વડા પ્રધાન જવાબ આપે'

સોમવાર, 27 માર્ચ 2023 (17:51 IST)
અગાઉ કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપની સરકાર સામે પ્રહાર કર્યાં હતા. તેમણે રાહુલ ગાંધીના સંસંદસભ્ય પદ રદ થવા વિશે પણ વાત કરી.
 
તેમણે કહ્યું, ‘ભાજપની સરકાર દેશમાં તાનાશાહી શાસન લાવી છે. કોઈ પણ વ્યક્તિ વિરોધ ન કરી શકે એવી સ્થિતિ લાવી દેવાઈ છે. દેશમાં મિત્રકાળ ચાલે છે અને એમાં અદાણી જેવા મિત્રને ઍરપૉર્ટ, પૉર્ટ સહિતના આર્થિક લાભ નીતિ નિયમો નેવે મૂકીને આપવામાં આવે છે.’
 
‘મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એ મિત્રોના પ્લૅનમાં ફર્યાં હતા.’
 
‘એટલે આઝાદી પહેલા જેમ ગાંધીજીનું નેતૃત્ત્વ મળ્યું. અહિંસક રીતે લાંબી લડાઈ અંગ્રેજો સામે લડાઈ.’
 
‘એવી જ રીતે રાહુલ ગાંધી યુવાઓ, ખેડૂતો, મહિલાઓના અન્યાય અને અધિકારો મામલે અવાજ બન્યા છે.’
 
‘એટલે સામાજિક, રાજકીય આર્થિક મુદ્દે જ્યારે રાહુલ ગાંધી અવાજ ઉઠાવે ત્યારે તેમનો અવાજ દબાવવાની કોશિશ થાય છે.’
 
‘રાહુલ ગાંધીએ સંસદમાં અદાણી મુદ્દે તપાસની માગણી કરી હતી. જેપીસી તપાસની માગણી નથી સ્વીકારાઈ.’
 
‘ખરેખર બોલી ન શકે એટલે રાહુલ ગાંધી સામે વિવિધ રાજ્યોમાં ખોટા કેસો ઊભા કરવામાં આવ્યા.’
 
‘સુરતના કેસની વાત કરીએ તો એક રાજ્યમાં કેસ બીજામાં કેસ થયો. એ પહેલાં તપાસ થવી જોઈતી હતી. વળી બીજી બાજુ ફરિયાદી સુનાવણી સમયે હાઈકોર્ટમાં જાય છે અને કેસ વિલંબમાં જાય છે. એ દરમિયાન જજની બદલી થઈ જાય છે. પછી ફરિયાદીપક્ષ હાઈકોર્ટનો સ્ટે ઉઠાવી લેવા જાતે જ કહે છે. અને પછી નવા જજ આવે છે અને ચુકાદો આવે છે અને તેમને સજા થાય છે.’
 
‘મેહુલ ચોક્સી, અદાણી જેવા મોટા માથા અને લલિત કે નીરવ મોદી હોય તેમના સંબંધિત વિવાદો સામે રાહુલ ગાંધી અવાજ ઉઠાવે છે.’
 
‘રાહુલ ગાંધી સમાજની સેવા કરવા માગે છે એના માટે સંસદ હોવું જરૂરી નથી એ રાહુલ ગાંધી પહેલા જ કહી ચૂક્યા છે.‘
 
‘પણ દેશના વડા પ્રધાન જવાબ આપે કે એમના અને અદાણી વચ્ચે શું સંબંધો છે?’
 
‘અમે ન્યાયિક લડાઈ લડતા રહીશું. પણ શાસકપક્ષે લોકોને અવાજ કેમ દબાવાય છે એનો જવાબ આપવો પડશે.’

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર