અમદાવાદથી ગોવા જવા માટે ST વોલ્વોનું ભાડું રૂ.3336 જ્યારે વિમાની શુલ્ક રૂ. 3038

સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (15:24 IST)
અમદાવાદથી 1108 કિલોમીટરના અંતરે આવેલા ગોવા જવા માટે લગભગ સમાન ભાડું ધરાવતા બસ અને પ્લેન એમ બે વિકલ્પ આપવામાં આવે તો સ્વાભાવિકપણે મોટાભાગના મુસાફરો પ્લેનની મુસાફરી પર જ પસંદગી ઉતારે. આવી જ સ્થિતિ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા નવી શરૂ કરવામાં આવેલી લાંબા અંતરની વિવિધ બસમાં જોવા મળી રહી છે. અમદાવાદ-ગોવાનું બસનું ભાડું રૂ. 3336 જ્યારે એડવાન્સમાં ટિકિટ બૂક કરવામાં આવે તો એરફેર રૂ. 3038 છે. 
આવી જ સ્થિતિ અમદાવાદથી વારાણસી, હરિદ્વાર સુધી શરૂ કરવામાં આવેલી નવી બસમાં પણ જોવા મળી રહી છે. વારાણસીની ST વોલ્વો બસ અમદાવાદથી રાત્રે 8 કલાકે ઉપડે છે. આ બસ  ત્રીજા દિવસે વહેલી સવારે 5 30 વાગે વારાણસી પહોંચે છે. વારાણસીનું ST વોલ્વોનું ભાડું અંદાજે રૂપિયા રૂ. 3315, ટ્રેનની ટિકિટ રૂ. 2425 અને એડવાન્સમાં બૂકિંગ કરાવવામાં આવે તો એરફેર રૂ. 3038 છે. 
અમદાવાદથી હરિદ્વાર માટેની ST વોલ્વો બસ સવારે 11 વાગે ઉપડે છે. આ બસ બીજા દિવસે સાંજે 5 વાગે હરિદ્વાર પહોંચે છે. આ બસની ટિકિટ રૂ. 2696, ટ્રેનની ટિકિટ રૂપિયા 2050 છે. અમદાવાદથી ગોવાની ST વોલ્વો બસ દરરોજ સાંજે 4 વાગે ઉપડે છે. આ બસ બીજા દિવસે સાંજે 6 વાગે ગોવા પહોચાડે છે. અમદાવાદ-ગોવાનું ST બસની ટિકિટનું ભાડું રૂપિયા 3336, સેકન્ડ ACમાં ટ્રેન ટિકિટ રૂપિયા 2050 અને ફ્લાઇટ ટિકિટ રૂપિયા 3038 છે. 
આ અંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે એક યાદીમાં જણાવ્યું હતું કે, અમદાવાદથી વારાણસી જવા માટે બે મુસાફર, અમદાવાદથી કાનપુર જવા માટે 3 મુસાફર, અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે 3 મુસાફર મળ્યા હતા.
આ સેવા શરૂ થયાના ત્રીજા જ દિવસે રૂપિયા 25305ની આવક થઇ હતી. અમદાવાદથી ગોવા રૂટમાં 58 મુસાફરોએ મુસાફરી કરી હતી અને તેની રૂપિયા 23912ની આવક થઇ છે. આ ST વોલ્વો માટે ઈ ટિકિટ અને મોબાઇલ સર્વિસમાં ટિકિટ બૂક કરાવનારાને 6% ડિસ્કાઉન્ટ તેમજ નોન પ્રીમિયમ સર્વિસમાં 4% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ડિસ્કાઉન્ટની જાહેરાત બાદ બૂકિંગમાં વધારો થયો છે.
અમે વિવિધ અભ્યાસ હાથ ધર્યા બાદ આ રૂટ પર બસ સેવા શરૂ કરેલી છે. જે વ્યક્તિને ટ્રેનમાં ટિકિટ મળી ના હોય કે ગૂ્રપ બૂકિંગ કરાવવા માગતું હોય તેમને આ બસ સેવાથી લાભ થશે. સિઝન અને માગણી અનુસાર બસ ટિકિટની કિંમતમાં ફેરફાર થશે. '

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર