ગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ કથળી ૬૦ ટકાથી લઈ ૯૦ ટકા બેઠકો ખાલી રહી

સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (15:10 IST)
રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. જેનું ઉદાહરણ રાજ્યમાં વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી રહેલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની ૯૦ ટકાથી લઈ ૩૫ ટકા સુઘી બેઠકો ખાલી રહી છે એવું કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું. રાજ્યમાં એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૨૨૬૬૭ માંથી માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ છે. જ્યારે ૧લાખ ૧૨ હજાર ૯૪૩ બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ ૪૯ ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે ૫૧ ટકા બેઠકો ખાલી છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી અને ટેક્નિકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓને પીપીપી ધોરણે ડીગ્રી-ડીપ્લોમા, ઈજનેરી કોલેજો ખોલવા માટે વાર્તાલાપ થાય. સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેક્નિકલ શિક્ષણ સોંપવા જઈ રહી છે. રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણની સતત અધોગતિ અને અવદશા માટે અપૂરતા અધ્યાપકો, લેબોરેટરી, લાયબ્રેરી સહિતની સુવિધાનો અભાવ, ફી ના અતિ ઊંચા ધોરણો, રોજગારની સતત ઘટતી જતી તકો અને દિશાવિહીન શિક્ષણ વિભાગ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ છે. એટલે કે ૪૭ ટકા બેઠકો ભરાઈ છે જ્યારે ૫૩ ટકા સીટો ખાલી રહી છે. તો એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ છે..એટલે કે એમસીએની ૧૨ ટકા જ સીટો ભરાઈ છે જ્યારે ૮૮ ટકા સીટો ખાલી રહી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગની ૨૭ ટકા સીટો ભરાઈ છે જ્યારે ૭૩ ટકા સીટો ખાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી સીટોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થતાં દર વર્ષે સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાલી સીટોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ સાવ ખાડે ગઈ છે. એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતના કોર્ષની ૬૦ ટકાથી ૯૦ ટકા બેઠકો ખાલી રહી છે. એક તરફ હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળતો જ્યારે બીજી તરફ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમની બેઠકો ખાલી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર