અમદાવાદ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 'વિરાટ હિંદુ સંમેલન' યોજાયું

સોમવાર, 27 માર્ચ 2017 (12:40 IST)
હિન્દુસ્તાનમાં તમામ ધર્મ માટે સમાન જનસંખ્યા કાનૂનનો અમલ કરવામાં આવે તેવી અમારી કેન્દ્ર સરકારને દરખાસ્ત છે. આ દેશ પર શાસન કરી રહેલા તમામ પક્ષ એ કાન ખોલીને વાત સાંભળે કે તેઓ જનસંખ્યા પર નિયંત્રણનો કાયદો લાવી શકતા ન હોય તો તેમની પાસે વિકાસની વાત કરવાનો પણ અધિકાર નથી. ભારતમાં જનસંખ્યાનું નિયંત્રણ સહેજપણ થઇ રહ્યું નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ વિરોધ છતાં મુસ્લિમ દેશો પર પ્રતિબંધ લાદવાનું ચૂંટણી વચન નિભાવી શકતા હોય તો હું ભારત સરકારને પૂછવા માગું છું કે બાંગલાદેશથી ગેરકાયદે ઘુસી આવેલા ૩ કરોડ નાગરિકોને હાંકી કાઢવામાં કોની રાહ જોવાઇ રહી છે તેમ વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ તેમના તેજાબી અંદાજમાં અમદાવાદ ખાતે યોજાયેલા વિશ્વ હિંદુ પરિષદના વિશાળ હિંદુ સંમેલનમાં જણાવ્યું છે.

રવિવારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વીએચપીના ૧૫ હજારથી વધુ કાર્યકરો તેમજ અનેક ૫૦થી વધુ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વિશાળ હિંદુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અયોધ્યામાં રામલલ્લાના જન્મસ્થળ પર રામમંદિર તેમજ 'હિંદુ જ ફર્સ્ટ' એ બંને મુખ્ય મુદ્દા હતા. ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે 'અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર જ સોમનાથ જેવું જ વિશાળ મંદિર બનાવશે. હવે અયોધ્યામાં કોઇ નવી મસ્જિદ બને અને સમગ્ર હિંદુસ્તાનમાં બાબરના નામની મસ્જિદ ક્યાંય પણ નહીં બનાવવામાં આવે. મંદિર બનાવવાનો એક જ માર્ગ છે જે સરદાર વલ્લભભાઇ પટેલે દર્શાવ્યો હતો. 
આજની સભા યોજવા પાછળનો ઉદ્દેશ માત્ર રામમંદિરનું નિર્માણ નથી તેમ જણાવતા ડો. તોગડિયાએ ઉમેર્યું કે 'આપણા દેશમાં ૯૫ લાખ મુસ્લિમોના બાળકો-બાળકીઓને ભણવા માટે સરકાર ફી ચૂકવે છે. હિંદુઓએ કયો ગુનો કર્યો કે તેમને આવી ખેરાત આપવામાં આવતી નથી. હિંદુઓ ભલે બહુમતિમાં હોય પણ સરકાર સામે તેમનું મૂલ્ય શૂન્ય છે. આપણે સોમનાથ-દ્વારિકા જઇએ તો સરકાર એક રૃપિયો આપતી નથી જ્યારે મુસ્લિમ હજયાત્રાએ જાય તો તેમને રૃપિયા ૨૨૫૦૦ની સહાય આપવામાં આવે છે. આ સભા હિંદુને ઝીરોમાંથી હીરો બનાવવાના હેતુથી પણ યોજવામાં આવી છે.'
શનિવારે પાટણના એક ગામમાં થયેલા કોમી રમખાણનો ઉલ્લેખ કરતા ડો. તોગડિયાએ જણાવ્યું કે 'ગુજરાતના એક ગામમાં ગઇકાલે મુસ્લિમોએ હિંદુઓ પર હૂમલો કર્યો, સપ્તાહ અગાઉ કચ્છમાંથી કેટલાક મુસ્લિમો હિંદુઓની બે યુવતીઓને ઉપાડી ગયા હતા. હિંદુઓના શાંત સ્વભાવને તેમની નબળાઇ માની લેવામાં આવે છે. અમદાવાદના દરિયાપુર, કાળુપુર વિસ્તાર, વડોદરાના વાડી વિસ્તાર હિંદુઓ ખાલી કરીને જતા રહ્યા છે. હવે હિંદુઓની વસતિ પણ ઘટીને ૭૯% થઇ ગઇ છે. જેનો એકમાત્ર ઉપાય એ છે કે મુસ્લિમોને ચાર પત્ની સુધી રાખવાની જે છૂટ અપાય છે તે દૂર કરવામાં આવે. ટૂથપેસ્ટ, સાબુ જેવી ચીજવસ્તુ ખરીદીએ છીએ તેના પર સરકાર ટેક્સ લે છે. આ ટેક્સનો ઉપયોગ મુસ્લિમોના બાળકોની સ્કૂલ ફી ચૂકવવા માટે કરવામાં આવેે છે. બાળકો મુસ્લિમો પેદા કરે અને તેમનો ખર્ચ અમે ઉઠાવીએ તે યોગ્ય નથી. હિંદુઓમાંથી અછૂતોનો સડો દૂર કરવામાં આવે તે જરૃરી છે. જેના માટે દરેક હિંદુએ જાગૃત બનવું પડશે.'

અમેરિકાએ તાજેતરમાં કેટલાક મુસ્લિમ દેશો પર લાદેલા પ્રતિબંધનું સ્વાગત કરતા ડો. તોગડિયાએ જણાવ્યું કે 'ટ્રમ્પે વિરોધ છતાં બોલેલું પાળી બતાવ્યું એ માટે હું તેમને અભિનંદન આપું છું. પરંતુ જેની સાથે જ અમેરિકામાં હિંદુઓ પર થઇ રહેલા હૂમલા અટકાવવામાં આવે તેવી ટ્રમ્પને અમારી વિનંતી છે. ટ્રમ્પ ચૂંટણીમાં આપેલું વચન નિભાવી શકે છે તો આપણી સરકાર શા માટે ૩ કરોડથી વધુ બાંગલાદેશીઓને ઘરભેગી કરી દેતી નથી. બાંગલાદેશીઓને ઘરભેગા કરશો તો ૩ કરોડ ભારતીયોને રોજગારી મળશે. ૬ મહિનામાં ૩ કરોડ બાંગલાદેશીઓને ભારતમાંથી તગેડી મૂકો.  '  
મુસ્લિમ પરિવારના બાળકોને પ્રથમ ધોરણથી લઇને પીએચડી સુધીના શિક્ષણ માટે કેન્દ્ર સરકાર સહાય આપે છે. હિંદુ પરિવારના છ કરોડ બાળકોને પણ શિક્ષણમાં આવી જ સહાય આપવામાં આવે. આમ કરાશે તો પટેલ-ઠાકોર બંધુઓને આંદોલન પણ નહીં કરવું પડે. દરેક હિંદુ વિદ્યાર્થીઓની શાળાથી ગ્રેજ્યુએશન સુધીની ફી સરકાર ભરે. ભારતનો કોઇ હિંદુ અશિક્ષિત રહી જવો જોઇએ નહીં.'
૧૦ લાખ હિંદુ બ્લડ ડોનર્સની યાદી તૈયાર કરવામાં આવી છે. બ્લડ જોઇતું હોય તો તેના માટે 'બ્લડ ફોર ઇન્ડિયા' મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. જેના દ્વારા રક્તદાતાની માહિતી મળી શકશે. ૫૦ હજાર લોકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા કરાશે, તેમાં ૮ હજારથી ૨૦ હજાર સુધીના માસિક પગારની નોકરી મળશે. આવતા મહિનાથી રોજગાર માટેની ટ્રેનિંગ અને નિશ્ચિત નોકરી વ્યવસ્થા માટે કેન્દ્રો શરૃ કરાશે. ટ્રેનિંગ વખતે ભોજન-હોસ્ટેલની નિઃશુલ્ક વ્યવસ્થા રહેશે. ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને માર્ગદર્શન અપાશે. ખેડૂતો સ્ટિવિયાની ખેતી કરે તેના માટે પ્રોત્સાહન અપાશે. તેના દ્વારા ખેડૂતોને ૧ વિઘામાં રૃ. ૮૦ હજારની આવક થશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  'અમેરિકા ફર્સ્ટ' એવી ફાઇનાન્સ પોલિસી અપનાવી છે, જેનામાંથી પ્રેરણા લઇને આજના મહાસંમેલનમાં પણ 'હિંદુ જ ફર્સ્ટ' એવું સૂત્ર તૈયાર કરાયું હતું. અમેરિકા ફર્સ્ટ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો.

વેબદુનિયા પર વાંચો