હવે ટ્રાફિક નિયમનો ભંગ કરતા પહેલા વાહન ચાલકો ચેતી જજો, ટ્રાફિક પોલીસ હવે તમને નિયમ ભંગ કરતા સમયે સ્થળ પર જ ઈ-ચલણ ભરવાનો મોકો આપશે, જો તમે ન ભરો તો 90 દિવસમાં મોબાઈલ દ્વારા ઓનલાઈન ઈ-ચલણ ભરી શકશો, ત્યારબાદ વર્ચ્યુઅલ કોર્ટમાં કાર્યવાહી થશે, અને ત્યાં પણ 45 દિવસમાં દંડ ન ભર્યો તો, ફિઝિકલ કોર્ટમાં આ મામલે કેસ ચાલશે અને તમને જેલની સજા પણ થઈ શકે છે
.તમને જણાવી દઈએ કે, 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી માર્ગ સલામતી ઉજવણી શરૂ કરવામાં આવી છે, આ સંદર્ભે રાજ્ય સરકાર અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિકના નિયમોનું લોકો સારી રીતે પાલન કરે અને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે એનઆઈસીના સહયોગથી ‘વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ’ હેઠળ ટ્રાફિક નિયમ ભંગ કરનાર માટે ઈ-ચલણ એપ્લિકેશન જાહેર કરી છે.આ મામલે અમદાવાદ પૂર્વ ઝોન ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, જે લોકોને ‘વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ’ લાગુ થયા પહેલા ટ્રાફિક નિયમ ભંગ બદલ ચલણ મળ્યા છે, તેમણે પણ દંડ તો ભરવો જ પડશે, જોકે, તે વાહન ચાલકો ‘વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ’ના નિયમની જોગવાઈમાં હેઠળ નહી આવે. પરંતુ, આ વાહન ચાલકો પાસેથી પણ દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ જ છે, અને તેઓ દંડ નહીં ભરે ત્યાં સુધી આરટીઓમાં તેમનું વાહન ટ્રાન્સફર કે વેચી નહીં શકશે નહી.