હાર્દિક પટેલના દાવા અંગે સીએમ અને ડેપ્યુટી સીએમનું નિવેદન

ગુરુવાર, 14 જૂન 2018 (17:07 IST)
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની વાતને ફગાવી દેતા વિજય રૂપાણીએ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને જુઠ્ઠો કહ્યો હતો. CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, હાર્દિક પટેલે જુઠ્ઠાણુ ફેલાવી રહ્યો છે. તેમણે રાજીનામા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, રાજીનામું કેબિનેટમાં ન આપવાનું હોય, રાજભવનમાં આપવાનું હોય. મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. કેબિનેટ બેઠકમાં રાજીનામાની પ્રણાલી ન હોય. રાજીનામાની વાત સંપૂર્ણ ખોટી છે. મીડિયામાં ચમકવા માટે લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ગુજરાતનો વિકાસ અટકાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે. પાંચ વર્ષ સુધી જનતાની સેવા કરવાની છે.પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે CM વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે, તેવું નિવેદન આપીને BJPના નેતાઓને દોડતા કરી દીધા છે. BJPના નેતાઓ આ વાતને ફગાવી રહ્યા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ થાય છે. નીતિન પટેલે હાર્દિક પટેલના નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીના રાજીનામાં અંગે બધી અફવાઓ ચાલી રહી છે. આવું કંઈ બન્યું નથી. અમુક લોકો સોશિયલ મીડિયામાં આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી છે અને રહેશે. નીતિન પટેલે કહ્યું હતું કે, વિજય રૂપાણીએ કોઈ રાજીનામું આપ્યું નથી. અમે બધા સાથે મળીને ટીમ વર્ક કરીને કામ કરી રહ્યા છીએ. જે લોકો ભાજપ વિરોધી છે, જે લોકોને વિવાદો કરવામાં રસ છે, તે લોકો જ આ ખોટી અફવા ફેલાવે છે. પરંતુ અમે લોકો એક ટીમ તરીકે કામ કરીએ છીએ. હું મારા મંત્રાલયથી ખુશ છું. બધી જગ્યાએ મારું માન-સન્માન જાળવવામાં આવે છે. પરંતુ વિજય રૂપાણીના રાજીનામાની જે અફવા ફેલાવવામાં આવી છે, તેમાં કોઈ તથ્થ નથી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર