પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પડતો મુકી નિતીન પટેલ દિલ્હી પહોંચ્યા, રાજકિય માહોલ ગરમાયો

ગુરુવાર, 14 જૂન 2018 (15:31 IST)
ગુજરાતમાં સીએમના પદ પર બદલાવની ચર્ચાઓ વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેલના દાવા બાદ ફરી એક ચર્ચાએ રાજકિય માહોલ ગરમ કરી નાંખ્યો છે. આજે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પડતો મુકી નિતીન પટેલ દિલ્હી પહોંચ્યા. સાથે જ ભુપેંદ્રસિંહ ચુડાસમા અને પરબત પટેલની પણ દિલ્હીમાં હાજરી દેખાઈ છે. વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમા પહેલીવાર સતત અસંતોષ બહાર આવી રહ્યો છે. તો સામે થોડા દિવસ પહેલાં શંકરસિંહ બાપુ જુથ પણ બેઠક કરી હતી. તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સંપર્ક અભિયાનના બહાને શંકરસિંહ સાથે મુલાકાત કરી હતી. આ તમામ ઘટનાઓ કોઈ મોટી રાજકીય ઘટનાના એંધાણ સૂચવે છે. રૂપાણી સરકારની શરુઆતમા જ ગ્રહણ હોય તેવી શરુઆત થઈ હતી. અંદાજે શપથના અઠવાડિયા બાદ પણ મંત્રીઓના ખાતાની વહેંચણી નહોતા કરી શક્યા. ખાતાની વહેંચણી બાદ તરત જ નીતિન પટેલ મનગમતુ ખાતુ ન મળતા નારાજ રહ્યા અને બાદમાં સૌરભ પટેલ પાસેથી લઈને નાણા મંત્રાલય આપવામા આવ્યુ. તો રાજ્ય સરકારના મંત્રી પરષોત્તમ સોલંકી પણ ખાતાને લઈ નારાજ દેખાયા હતા. થોડાક દિવસ પહેલા જ નિતીન પટેલ નારાજ હોવાથી રાજીનામું આપશે તેવી વાતો વહેતી થઈ હતી. જો કે ખુદ નાયબ મુખ્યમંત્રીએ આ મામલે ના પાડી. જેની પાછળ ગર્ભિત ઈશારો તો અલગ જ હતો. જોકે ભાજપ અને નિતીન પટેલ ભલે જાહેરમાં નનૈયો ભણી રહ્યા હોય પણ અંદરખાને કાઈક અલગ જ રંધાઈ રહ્યું હોય તેવુ દેખાઈ રહ્યું છે. આમ, ગુજરાતના ભાજપના રાજકારણમાં ફરીથી ગરમાશે તેવી ચર્ચા ચાલી રહી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર