૨૦૧૯માં ગાંધીનગર ખાતે ૧૮, ૧૯ અને ૨૦ જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટ યોજાશે

શનિવાર, 19 મે 2018 (12:00 IST)
ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ આગામી વર્ષ ૨૦૧૯માં આઠમીવાર યોજાશે. આ વાઈબ્રન્ટ સમિટ વર્ષ ૨૦૧૯માં ૧૮,૧૯ અને ૨૦ જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજવામાં આવશે. ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આજે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત આજે તમામ ક્ષેત્રોમાં રોલ મોડેલ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે વાઈબ્રન્ટ સમિટ દ્વારા રાજ્ય સરકાર તમામ ક્ષેત્રના ઉદ્યોગો અને તેના ઉત્પાદકોને ફાસ્ટ ટ્રેકની સુવિધા આપી પ્રોત્સાહિત કરી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વાયબ્રન્ટ સમિટ દ્વારા આજે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે હબ બની ગયું છે.આથી વર્ષ ૨૦૧૯ની ૧૮,૧૯ અને ૨૦ જાન્યુઆરી એમ કુલ ત્રણ દિવસ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી.

આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનાર આ વાઈબ્રન્ટ સમિટમાં ૧૨૫થી વધારે હાઈ પાવર ડેલિગેશન ગુજરાત આવશે. તેમાં લગભગ તમામ સેક્ટરમાં વિવિધ દેશોના આ હાઈ પાવર ડેલીગેશન ધ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. ગુજરાત સરકારે પણ આ સમિટને સફળ બનાવવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું તેમણે જણાવ્યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર