૧૮૨ ધારાસભ્યો સોગંદ લેવા માટે રાહ જુએ છે પણ મુહૂર્ત નીકળતું નથી
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (12:29 IST)
વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. જેનું પરિણામ પણ આવી ગયું છે. આમ છતાં હજુ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ૧૮૨ ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થઈ શકી નથી. જુદા જુદા કારણોને લઈને આ શપથવિધિ લંબાતી જાય છે. તો બીજી બાજુ નવા ધારાસભ્યો સોગંદ લેવા માટે રાહ જોઈ રહ્યા છે પણ જાણે હજુ તેનું મૂર્હુત નીકળ્યું નથી. ૧૮મી ડીસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ૨૬મીએ મંત્રીઓની શપથવિધિ પણ યોજાઈ ગઈ હતી. પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યોની સોગંદવિધિ હજુ સુધી થઈ શકી નથી.
ધારાસભ્યો જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં જ શપથ લઈ લે તેવી વાત હતી. પરંતુ આ અંગે વિધાનસભા કાર્યાલયને કોઈ જાણ કરવામાં આવી નથી. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૧૪મી જાન્યુઆરીની આસપાસ આવે તેવી શક્યતાઓ છે. તેમનાં આ સંભવિત કાર્યક્રમને ધ્યાનમાં લેવાઈ રહ્યો છે. મહાત્મા મંદિર ખાતે પાંચથી સાત જાન્યુઆરીએ પાટીદાર સમિટ યોજાવાની છે. વિધાનસભા સંકુલનું રીનોવેશનનું કામ પણ હજુ ચાલી રહ્યું છે. આથી એવું માનવામાં આવે છે કે ૧૪મી જાન્યુઆરી કમૂરતા બાદ નવા ધારાસભ્યોની શપથવિધિ કરાશે.