વાહનો માટે ગતિ મર્યાદા : 40-60 કિ.મી.થી વધુ ઝડપ હશે તો FIR થશે

મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (12:12 IST)
અમદાવાદ શહેરમાં પહેલી વખત જ પોલીસ કમિશનરે વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરતું ‘જાહેરનામું’ બહાર પાડ્યું છે. શહેરના રસ્તાઓ ઉપર કોઈપણ પ્રકારના વાહનો વધુમાં વધુ 40થી 60 કિલોમીટર કરતાં વધુ ગતિએ ચલાવી શકાશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનરની હકૂમતમાં આવતાં નેશનલ હાઈવે સિવાયના રસ્તાઓ ઉપર ગતિમર્યાદા નિયંત્રિત કરવામાં આવી છે. જ્યારે, શહેરની વચ્ચેથી પસાર થતાં SG હાઈવે જેવા ‘નેશનલ હાઈવે’ ઉપર વાહનોની ગતિ મર્યાદા 50થી 100 કિલોમીટર નિશ્ચિત કરાઈ છે.
ટુ વ્હીલર, થ્રી વ્હીલર, કાર અને ભારે વાહનો માટે અલગ-અલગ કેટેગરી પાડીને ગતિ મર્યાદા નિયંત્રિત કરવામાં આવી છે. એક મહિના માટે પ્રાયોગિક ધોરણે લાગુ કરાયેલા જાહેરનામાના અમલ માટે ‘સ્પીડગન’થી વાહનની ગતિ માપીને જાહેરનામા ભંગની પોલીસ FIRની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના રસ્તા ખુલ્લા બન્યાં છે ત્યારે જીવલેણ અકસ્માતમાં વધારો નોંધાતાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે. વાહનોની અનિયંત્રિત ગતિ અંકુશમાં લેવામાં શહેર પોલીસ કેટલા અંશે સફળ રહેશે તે તો સમય જ બતાવશે.
શહેરમાં વર્ષ ૨૦૧૮ દરમિયાન જ ૩૨૦ લોકોએ જીવલેણ અકસ્માતમાં જિંદગી ગુમાવી હતી અને ૧૦૦૦થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસ કમિશનર એ.કે. સિંઘે જારી કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે, શહેર પોલીસની હકૂમતમાં આવતાં એક્સપ્રેસ-વે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તથા શહેરના અન્ય માર્ગ ઉપર પસાર થતાં વાહનો દ્વારા અકસ્માત ઘટાડવા અને વધારે ગતિવાળા વાહનોના અકસ્માતથી થતી ઈજા-નુકસાનની માત્રા ઘટાડી માર્ગ સલામતી સ્તરમાં સુધારણા સાથે રાહદારી, મુસાફરી કરતાં નાગરિકો, જાહેર જનતાને સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી વાહનોની ગતિ-મર્યાદા સંબંધે આ હુકમ કરાયો છે. વાહનોની ગતિ મર્યાદાના જાહેરનામા સંબંધે નાગરિકો, સંસ્થાઓ ૩૦ દિવસમાં વાંધા-વિરોધ લેખિતમાં રજૂ કરી શકે છે. પોલીસ અને ઈમરજન્સી સર્વિસ, કોન્વોય, મહાનુભાવોની સુરક્ષાના વાહનો સિવાયના લોકો જાહેરનામાનો ભંગ કરશે તો કાયદેસર કાર્યવાહી કરાશે.
કેટલી ગતિએ વાહન ચલાવવું? આ નવા ‘આદેશ’ને સમજી લો
નેશનલ હાઈવે સિવાયના રસ્તા:
* ભારે-મધ્યમ વાહન: મહત્તમ 40 કિ.મી, કલાક
* ફોર વ્હીલર: મહત્તમ 60 કિ.મી. પ્રતિ કલાક
* થ્રી વ્હીલર: મહત્તમ 40 કિ.મી. પ્રતિ કલાક

* ટુ વ્હીલર: મહત્તમ 50 કિ.મી. પ્રતિ કલાક
 
શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે:
વાહનનો પ્રકાર                       ફોર લેન,ડિવાઈડર    મ્યુનિ.ની હદના હાઈવે        અન્ય રસ્તા
M-1 (8મુસાફર)                     100 કિ.મી/કલાક      70 કિ.મી/કલાક             70 કિ.મી/કલાક
M-2,3 (9થી વધુ મુસાફર)      90 કિ.મી/કલાક       60 કિ.મી/કલાક              60 કિ.મી/કલાક
N (માલવાહક)                     80 કિ.મી/કલાક       60 કિ.મી/કલાક             60 કિ.મી/કલાક
મોટરસાઈકલ(બાઈક)           80 કિ.મી/કલાક       60 કિ.મી/કલાક            60 કિ.મી/કલાક
ક્વોડ્રીસાઈકલ                    60 કિ.મી/કલાક       50 કિ.મી/કલાક            50 કિ.મી/કલાક
થ્રી વ્હીલર                         50 કિ.મી/કલાક       50 કિ.મી/કલાક            50 કિ.મી/કલાક

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર