લોકશાહીમાં પ્રજાની જરૂરિયાત મુજબ સરકાર યોજનાઓ બનાવે છે અને તેનું અમલીકરણ કરે છે. ત્યારે સરકાર અને પ્રજાના સહિયારા પ્રયાસોથી રાષ્ટ્રનો વિકાસ થાય છે. તેમ આજે વાત્રક નદી ઉપર વાસણાખુર્દ અને મોટા દેદરડા ગામનો જોડતો અંદાજીત રૂ. ૯૫૭ લાખના ખર્ચે નિર્માણ થનાર પુલનું ખાતમૂહર્ત કરતાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું.
ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે પુલના નિર્માણથી પ્રજાના સમયની સાથે સાથે ડિઝલ અને પેટ્રોલની પણ બચત થશે. તેઓએ ઉમેર્યુ કે હાલ જિલ્લામાં અનેક જગ્યાએ પુલોના નિર્માણનું કામ ચાલી રહ્યું છે જ્યારે કેટલાક પૂર્ણતાને આરે છે ત્યારે આવા પુલોના નિર્માણથી ગ્રામજનોને ધંધા-રોજગારમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.
કાર્યક્રમમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, વાસણાખુર્દ, મોટા દેદરડા તથા આસપાસના ગામોના સરપંચો, તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.