કાલોલમાં DJ વગાડવાના મુદ્દે પથ્થરમારો કરી વાહનોની તોડફોડ; સામસામે ફરિયાદમાં 7ની અટકાયત

બુધવાર, 11 મે 2022 (10:31 IST)
કાલોલના ગધેડી ફળીયામાંથી પસાર થતો વરધોડા રબ્બાની મસ્જીદ પાસે પહોચતા ડી.જે વગાડવાની બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે કોમના જૂથો સામસામે આવી ગયા હતાં. જોતજોતામાં એકબીજા પર પથ્થરમારો કરતાં વરરાજાના પિતા સહીત ચારને ઇજાઓ થઇ હતી. બેકાબુ બનેલા ટોળાંઓ વિસ્તારની બાઇકો તથા લારીઓની તોડફોડ કરીને ભારે નુકસાન કરીને ભયનો માહોલ સર્જયો હતો.બનાવની જાણ પોલીસને થતાં વિસ્તારમાં કોમ્બીંગ કરીને સાત તોફાની તત્વોની અટકાયત કરી હતી. જયારે કાલોલ પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરીયાદ નોધાવી હતી.

કાલોલ નગરના ગધેડી ફળીયામાં રહેતા સચીન રમણભાઇ સોલંકીના લગ્નનો વરધોડો કાલોલ શહેરના વિવીધ વિસ્તારમાંથી ફરીને ગધેડી ફળીયાના રબ્બાની મસ્જીદ પાસે પહોચ્યો હતો.મસ્જીદ નજીક આવતા ડી.જે બંધ થઇ ગયું હતું. મસ્જીદ પાસે ડી.જે વગાડવાની બાબતે લઇને હિન્દુ અને મુસ્લીમ કોમના લોકો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતાં બંને કોમના ટોળા સામસામે આવી જતાં પથ્થરમારો થયો હતો. ટોળાંએ પથ્થરમારો કરીને વિસ્તારની 3 થી વધુ બાઇકો, છકડો, લારી, ગલ્લાઓમાં તોડફોડ કરીને ભારે નુકસાન પહોચાડયું હતું.દરમિયાન વરઘોડાની બગી પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. ટોળાએ હાથમાં લાકડીઓ લઇને વિસ્તારમાં આતંક મચાવીને વાહનો તથા લારીઓની તોડફોડ કરી હતી. પથ્થરમારામાં વરરાજાના પિતા રમણભાઇ શનાભાઇ સોલંકી, વિનુબેન રમેશભાઇ સોલંકી, સંજયભાઇ દશરથભાઇ સોલંકી તથા જીતેન્દ્રભાઇ ગણપતભાઇ સોલંકીને ઇજાઓ થઇ હતી. બનાવની જાણ પોલીસને થતાં દોડી આવતાં તોફાની ટોળાં ભાગી ગયું હતુ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર