પૂરની સ્થિતિને પગલે છેલ્લા ચાર દિવસથી વડોદરા શહેરનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. વડોદરા શહેરમાં પાણી ઉતરતા હવે લોકો પોતાના ઘરોની બહાર નીકળી રહ્યા છે. વડોદરાના કિશનવાડી ગધેડા માર્કેટ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા. જેથી લોકોએ પોતાના ઘરનો સામાન રસ્તા પર જ ફેંકી દીધો છે. આ ઉપરાંત વેપારીઓએ અનાજ સહિતનો દુકાનનો તમામ સામાન રસ્તા પર ફેંકી દીધો છે.
વડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ પાસે મુખ્ય રોડ પર અનાજ અને ઘરના સામાનના ઢગલા ખડકાઇ ગયા છે. આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયેલા હોવાથી ઘર અને દુકાનોનો તમામ સામાન પલળી ગયો હતો. જેથી લોકો અને વેપારીઓએ આ સામાન રસ્તા પર ફેંકી દેવાની ફરજ પડી હતી. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 98 ટીમો આજથી સફાઇ કામગીરીમાં લાગી છે. પરંતુ કિશનવાડી વિસ્તારમાં હજુ સુધી સફાઇ માટે કોઇ ટીમ પહોંચી નથી. રસ્તા પર ફેંકી દેવાયેલો સામાન હટાવવામાં નહીં આવે તે રોગચાળો ફાટી નીકળે તેમ છે. વડોદરા શહેરમાં જ્યાં પાણી ભરાયા હતા તે તમામ વિસ્તારોમાં લોકોને પોતાનો સામાન ફેંકી દેવો પડ્યો છે. તમામ વિસ્તારોમાં રસ્તા પર આજ રીતે સામાનના ઢગલા જોવા મળી રહ્યા છે. કિશનવાડી ગધેડા માર્કેટ પાસે રહેતી મહિલાએ જણાવ્યું હતું કે, અમારા ઘરનો અનાજ સહિતનો તમામ સામાન પૂરમાં પલળી ગયો છે. હવે અમારી પાસે ખાવા માટે કશું જ બચ્યુ નથી. સરકાર અમને મદદ કરે તેવી અમારી માંગણી છે.