નવરાત્રિમાં માતાજીએ વેક્સિન લેવા રજા આપી છે, ભુવાએ આટલું કહેતાં જ રસી લેવાનો ઈનકાર કરનારા રસી લેવા દોડ્યા

બુધવાર, 13 ઑક્ટોબર 2021 (09:43 IST)
કોરોના વેક્સિનને લઈ કેટલાંક ગામડાંમાં હજુ પણ અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. ત્યારે રાજકોટના વીંછિયા પંથકમાં વેક્સિનેશન વધારવા આરોગ્ય તંત્રનો અનોખો પ્રયોગ સફળ રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તારમાં ભૂવાઓ સાથે સમજાવટ કરવામાં આવી હતી. નવરાત્રિ હોવાથી ભક્તોને આશીર્વાદરૂપે વેક્સિન લેવા રજા આપવા સમજાવતા આખરે ભૂવાઓએ દાણા જોયા હતા અને ‘નવરાત્રિનું પર્વ હોવાથી વેક્સિન માટે માતાજી રજા આપે છે બાપ!’ એટલું કહેતાં જ છેલ્લા 6 મહિનાથી રસીમાં રસ ન દાખવતા લોકો પણ કોરોના વેક્સિન લેવા માટે તૈયાર થયા હતાં. વીંછિયા પંથકના કેટલાંક ગામોમાં લોકો કોઈ પણ રીતે કોરોના વેક્સિન લેવા તૈયાર ન થતાં આરોગ્ય વિભાગે ગ્રામસભાઓ યોજી હતી. જોકે તેમ છતાં મોટી ઉંમરના લોકો અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓને કારણે વેક્સિન લેવા રાજી ન હતાં. રસી લેવા માટે ભૂવાઓ રજા ન આપતા હોવાથી વયોવૃદ્ધો રસી લેવા તૈયાર ન હતા. જો ભૂવા કહે તો જ લોકો વેક્સિન લેવા તૈયાર થાય તેમ હોવાથી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અનોખો પ્રયોગ કર્યો હતો. ઓછા વેક્સિનેશનવાળા દેવધરી, ઓરી, સમઢિયાળા, આકડિયા તેમજ લાખાવડ સહિતના ગામના ભૂવાને મળી તેમના આશીર્વાદ ભક્તોને વેક્સિનરૂપે આપવા સમજાવટ કરી હતી. જોકે શરૂઆતમાં ભૂવાઓએ ના પાડી, પરંતુ આખરે સહમત થયા હતા અને માતાજી આગળ વેક્સિન મૂકવા કહ્યું હતું. જેથી પહેલા માતાજી પાસે વેક્સિન મૂકી અલગ- અલગ ગામના ભૂવાઓએ દાણા જોયા હતા અને નવરાત્રિ હોવાથી માતાજી રાજી છે અને વેક્સિન લેવા સૌને રજા આપે છે. ટીએચઓ ડો. ખાંભલાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ હોવાથી ભૂવાઓ માતાજીના મઢમાં હોવાના કારણે ભાવિકો પણ વધુ પ્રમાણમાં આવતા હોય છે. જેથી આ સમય દરમિયાન જ ભાવિકોની હાજરીમાં ભૂવાઓએ રસી લેવા હાકલ કરતાં 6 મહિનાથી રસી લેવાની ના કહેતા લોકો પણ રસી લેવા તૈયાર થઈ ગયા હતા. 70થી વધુ વયોવૃદ્ધોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. આરસીએચઓ ડો. ભંડેરીએ જણાવ્યું હતું કે,ગામડાંઓમાં વેક્સિનને લઈ અનેક વખત લોકોને સમજાવ્યા હતા, પરંતુ કોઈને કોઈ બહાનું બતાવી કેટલાક લોકો રસી લેવાનું ટાળતા હતાં. જેથી કોઈપણ રીતે લોકો રસી લેવા તૈયાર થાય તે માટે અંતે આ પ્રયોગ કર્યો અને તે સફળ રહ્યો છે. ભૂવાઓ પણ રસી લેવા તૈયાર થયા છે. કેટલાક ભૂવાઓએ ઉપવાસ ચાલી રહ્યા હોવાથી નવરાત્રિ બાદ વેક્સિન લેવાનું કહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈ કોરોના વેક્સિન લેવામાં બાકી ન રહે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ કોઈપણ રીતે લોકોને વેક્સિન લેવા માટે તૈયાર કરવાનો છે. જો ગામડાંઓમાં ભૂવાઓ કે આગેવાનોના કહેવાથી વેક્સિનેશન વધતું હશે તો અન્ય ગામોમાં પણ આવી રીતે સમજાવટથી લોકોને રસી અપાશે. જેથી જિલ્લાના ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર