ભુજથી ભચાઊ હાઇવે પર ધાણેટી પાસે પુલીયા પાસે એક ટ્રક ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત થયો હતો, બંને ટ્રક ધડાકાભેર અથડાતા આગ ભભુકી ઉઠી હતી. સ્થાનિકે હાજર લોકોમાં ચર્ચાતી વાત મુજબ ટ્રકમાં સવાર ત્રણ લોકો આ આગમાં જીવતા ભુંઝાઇ ગયા હતા. લાખોંદ ટોલપ્લાઝાના ફાયર બ્રિગેડના વાહનો શોભાના ગાઠીયા સમાન હોય તેમ ભુજથી ફાયર અને એમ્બ્યુલન્સને મોકલાઇ હતી.
શુક્રવારે રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં ધાણેચી નજીક પુલિયા પાસે બે ટ્રક સામસામી ભટકાઇ હતી. બંને ટ્રક એટલી હદે ધડાકાભેર અથડાઇ કે બંને વાહનો ભડભડ સળગી ઉઠયા હતા. ટ્રકમાં સવાર ડ્રાઇવર અને કલિનર સમેત ત્રણ લોકો જીવતા ભુઝાઇ ગયા હોવાનું બનાવ ટાંણે હાજર લોકોમાં ચર્ચાયુ હતુ. લાખોંદ ટોલ પ્લાઝાની પેટ્રોલિંગ ટીમ અને ફાયરના વાહનો તેમજ એમ્બ્યુલન્સ શોભાના ગાઠીયા સમાન હોય તેમ વાહનોમાં લાગેલી આગ બુઝાવવા માટે ભુજથી ફાયર સેફટીના બંબા બોલાવાયા હતા. ભુજથી નગરપાલિકાના વાહનો પહોંચે ત્યાં સુધી આગ ભભુકી ઉઠી હતી અને ત્રણેય લોકોને બચાવી શકાયા ન હતા. અડધો કલાક બાદ ભુજના વાહનો પહોંચતા કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. અકસ્માતમાં મોત પામેલા ડ્રાઇવર અંગે વાહનના નંબર કે માલિકની જાણ થયા બાદ નામ જાહેર થશે. જો કે, આગ એટલી હદે વિકરાળ હતી કે ત્રણથી ચાર કલાક સુધી માર્ગ બંધ રહે તેવી સ્થિતી હતી. ધાણેટીના સરપંચ વાઘજીભાઈ માતા અને ગામના યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા,અને ટ્રાફિક હળવો કરવામાં મદદગાર બન્યા હતા. બીકેટી કંપનીના ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ કરાયા હતા