અમદાવાદમાં ટ્રાફિક પોલીસે એક ગાડીને 9 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

ગુરુવાર, 28 નવેમ્બર 2019 (12:23 IST)
શહેર ટ્રાફિક પોલીસ અલગ જ મિજાજમાં આવી છે અને વૈભવી કાર સામે દંડાત્મક ઝુંબેશ હાથ ધરી છે. હેલમેટ ચાર રસ્તા ઉપર બપોરે બે વાગ્યે નીકળેલી રૂ. ૨.૧૮ કરોડની કિંમતની પોર્શે કાર નંબર પ્લેટ વગરની હોવાથી અને પેપર્સ સાથે રાખ્યા વગર નિયમભંગ કરી પસાર થતાં ટ્રાફિક PSI એમ.બી. વીરજા અને ટીમે RTOનો મેમો ફટકાર્યો હતો. RTOએ કારનું ગુજરાત રજિસ્ટ્રેશન, દંડ સહિત કુલ રૂ. ૯ લાખ ચૂકવવા જણાવતાં વેચાણ માટે આવેલી કારના એજન્ટના હોંશ ઉડી ગયા છે. વૈભવી પોર્શે કાર હાલ પોલીસ, RTOના કબજામાં છે.ખાસ કરીને BRTS ટ્રેકમાં દોડતી વૈભવી કાર સામે પણ પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. રૂ. ૧૦ લાખથી ૭૫ લાખની કિંમતની રેન્જ રોવર, મર્સિડીસ સહિતની છ જેટલી મોંઘીદાટ કારને પાંચ-પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે કડક વલણ અખત્યાર કરી BRTSમાં કાર લઈને નીકળેલાં ચમરબંધીઓને પણ દંડ્યા હતા. મ્યુનિ. કમિશનર વિજય નેહરા અને ટ્રાફિક જેસીપી જે.આર. મોથલિયા વચ્ચે મિટિંગ બાદ BRTS ટ્રેક ખુલ્લો રાખવા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ટ્રાફિક પોલીસે ‘શેહ શરમ’ છોડીને રાજકારણીઓ પાસેથી પણ દંડ વસૂલ્યો છે. મેમ્કો વિસ્તારમાં પૂર્વ મંત્રી નિર્મલા વાધવાનીના પતિની કાર BRTS ટ્રેકમાંથી પસાર થતાં દંડ વસૂલાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે ટ્રાફિક પોલીસની BRTS દંડ સ્ક્વોર્ડના PSI અને સ્ક્વોર્ડે ખમાસા ચાર રસ્તા પાસે કોંગ્રેસના કાઉન્સિલર રણજીતસિંહ બારડની કારનો રૂ. ૧૦૦૦નો દંડ વસૂલ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર