બેરોજગારો ઓછા દેખાય તે માટે લાયકાત ગ્રેજ્યુએટ કરાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ગુરુવાર, 28 નવેમ્બર 2019 (12:21 IST)
સરકાર દ્વારા છ હજાર પ્રાથમિક શાળાઓ બંધ કરવા, બિનસચિવાલય ક્લાર્ક સહિતની ભરતીમાં ગેરરીતિ, બેરોજગારોની સંખ્યા ઓછી મળે તે માટે વર્ગ-3ની ભરતીમાં લઘુતમ લાયકાત ગ્રેજ્યુએટ કરી તે મુદ્દે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રજૂઆત કરી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિતના પક્ષના આગેવાનોએ રાજ્યપાલને આ બાબતે ચિંતા કરીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. પ્રાથમિક શાળાઓ બંધ થાય એટલે બાળકને નજીકની સ્કૂલમાંથી મળતું શિક્ષણ બંધ થશે, બાળકો શિક્ષણથી વંચિત રહેશે તેવી રજૂઆત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને કરી હતી. ઉપરાંત વર્ગ-3ની સરકારી નોકરીમાં ધોરણ 12ની લાયકાત હતી, જે વધારીને સરકારે ગ્રેજ્યુએટની કરી છે. ખરેખર ધોરણ 12ની લાયકાત રાખવામાં આવે તો બેરોજગારોની સંખ્યા વધે એટલે સરકારે ગ્રેજ્યુએટની લાયકાત કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. આથી ધોરણ 12ની લાયકાત ફરી કરવાની માગ કોંગ્રેસે કરી હતી. ઉપરાંત બિનસચિવાલય ક્લાર્ક, ટેટ-ટાટ,તલાટી સહિતની સરકારી નોકરીની ભરતીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાથી યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ હતી.કોંગ્રેસે સરકારી વિભાગોમાં વર્ગ-3ની ભરતીમાં લઘુતમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન કરવાનો પણ વિરોધ કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર બિનસચિવાલય ક્લાર્ક સહિત વર્ગ-3ની અન્ય જગ્યાઓ માટેની લઘુતમ લાયકાત એટલા માટે વધારી ગ્રેજ્યુએશન કરવા માગે છે, કારણ કે તે રાજ્યમાં બેરોજગાર યુવાનોની સંખ્યા ઓછી દેખાડવા માગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર