અમરોલીના સ્થાનિક હસમુખ પરમારે જણાવ્યું હતું કે સાયણ રોડ પર શ્રીરામ ચોકડી પાસે ડમ્પિંગ સાઇટ છે. ત્યાં બે મહિલા નીતાબેન પપ્પુ ડામોર અને રજનીબેન થોડા અંતરે કચરો વીણતી હતી. આ સમયે એક ટ્રેક્ટર-ડ્રાઇવર અને મજૂરો કચરો નાખવા આવ્યા હતા. જેમણે જગ્યા જોયા વિના જ કચરો નાખી દીધો હતો, જેની નીચે નીતાબેન દબાઈ ગયાં હતાં.રજનીબેન તેમને શોધતી હતી ત્યારે એક જેસીબીવાળો આવ્યો. તેને પણ આખો કચરો ઊંચકીને કચરાના મોટા ઢગલા પર ફેંકી દીધો હતો.
એ સમયે રજનીબેને શંકા ગઈ કે કદાચ નીતાબેન કચરાની નીચે દબાઈ ગયાં હશે. તેથી તેણે બૂમાબૂમ કરી હતી. લોકો ભેગા થયા હતા. કચરો ખસેડતા જ દસેક મિનિટ થઈ ગઈ હતી. કચરામાંથી નીતાબેનને રેસ્ક્યૂ કરાયાં હતાં.નીતાબેનને તાત્કાલિક સ્મિમેરમાં ખસેડાયાં હતાં. બે કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયાં હતાં. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને રજા અપાઈ હતી.