રાજયમા યોજાયેલ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક થવા અંગેના સમાચાર સંદર્ભે મંડળને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી: ચેરમેન શ્રી અસિત વૉરા

બુધવાર, 15 ડિસેમ્બર 2021 (14:39 IST)
ગુજરાત ગૌણ સેવાપસંદગી મંડળના ચેરમેનશ્રી અસિત વૉરાએ જણાવ્યુ છે કે, રાજયમા યોજાયેલ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક થવા અંગેના સમાચાર સંદર્ભે મંડળને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.મીડિયા દ્વારા મળેલા અહેવાલોને ધ્યાને લઈને તપાસનો દોર શરૂ કરાયો છે ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ વિભિગને કડક સૂચનાઓ આપી છે અને કસુરવારોને છોડાશે નહી. 
 
ચેરમેનશ્રીએ ઉમેર્યુ હતું કે રાજયના ઉમેદવારોને સરકારી સેવાઓનો લાભ મળે એ માટે રાજય સરકાર દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી કરવામાં આવી રહી છે. મંડળ દ્વારા સંપૂર્ણ પારદર્શી રીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને યુવાઓને તક પુરી પાડવામા આવી રહી છે.રાજયભરમાથી વિદ્યાર્થીઓ ગાધીનગર ખાતે આવીને પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે ત્યારે એમની મહેનત એળે ન જાય એ માટે સંપૂર્ણ તકેદારી સાથે પરીક્ષાઓનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. 
 
શ્રી વૉરાએ ઉમેર્યુ કે,ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા તા. ૧૨મી ડિસેમ્બરના રોજ યોજાયેલ યોજાયેલ હેડ ક્લાર્કની ૧૮૬ જગાઓ માટે પરીક્ષા યોજાઈ હતી જેમા ૨,૪૧,૪૦૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. તે પૈકી અંદાજે ૮૮,૦૦૦ ઉમેદવારોએ  પરીક્ષા આપી હતી.આ પરીક્ષાઓ ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર. ખાતે ૭૮૨ પરીક્ષા કેન્દ્રો પરથી સંપૂર્ણ પારદર્શી રીતે પરીક્ષાનું આયોજન કરાયું હતું જેમા પેપર લીક સંદર્ભે મંડળને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસ તંત્ર દ્વારા ૧૫ થી ૧૬  ટીમો બનાવીને તપાાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન કોઇ આધારભૂત પુરાવો મળશે તો ગેરરીતિ આચરનાર તત્વો સામે કડકમાં કડક પગલા લઇ કસૂરવારોને બક્ષવામાં આવશે નહીં. 
તેમણે ઉમેર્યું કે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આજે આ પેપર લીક મામલા સંદર્ભે બેઠકનું આયોજન કરાયું હતું તેમાં મંત્રીશ્રીએ પોલીસ વિભાગને સંપૂર્ણ નિષ્ઠા સાથે પારદર્શી તપાસ કરવા સંબંધિતોને સૂચનાઓ આપી છે. પોલીસ વિભાગ દ્વારા જે વિગતો મંડળને પ્રાપ્ત થશે ત્યારબાદ મંડળ દ્વારા FIR સહિતની આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે ત્યાં સુધી આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવશે નહીં. 
તેમણે ઉમેર્યુ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છેલ્લા ૭ થી ૮ વર્ષંમા સંપૂર્ણ પારદર્શી રીતે ૨૫૦૦૦ જેટલી જગ્યાઓ માટે વિવિધ પરીક્ષાઓનું આયોજન કરાયુ હતું. જેમાં લાખો યુવાનોએ પરીક્ષા આપી છે. કોરોના કાળ દરમ્યાન પણ અત્યાર સુધીમાં મંડળ દ્વારા ૪૦ પરીક્ષાઓનું આયોજન કરાયું હતું. જેમાં ૫૦૦૦ થી વધુ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા મંડળ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. સાથે સાથે મંડળ દ્વારા વિવિધ ખાતાકીય પરીક્ષાઓનું પણ સઘન આયોજન કરી પરીક્ષાઓ લેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર