મોરબીમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે જ ત્રણ મિત્રોનું પાણીમાં ડૂબી જવાથી મોત, એકને બચાવવામાં બીજા બે ડૂબ્યા

સોમવાર, 2 ઑગસ્ટ 2021 (08:01 IST)
મોરબી શહેરમાં રહેતા મિત્રો ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગમાં આવેલા ડેમી 2 ડેમના પાણીમાં નાહવા ગયા હતા.મોજ મસ્તી કરતી વખતે એક યુવકનો પગ લપસતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને બચાવવા જતા સાથે વારાફરતી અન્ય બે યુવાન પણ ઉતર્યા અને ત્રણેય ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં મોરબી 108ની 3 ટીમ, ફાયરની ટીમ તેમજ ટંકારા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

મૃતદેહોને બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવા આવ્યા હતા, જયારે એક મિત્ર હેમખેમ બહાર આવી ગયો હતો અને તેણે જ આસપાસના લોકોને બચાવ માટે બુમો પાડી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના 6 થી 7 મિત્રો રવિવારની રજા માણવા ટંકારાના લજાઈ ગામ નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા અને ત્યાંથી તેઓ ડેમી 2 ડેમમાં નહાવા ગયા હતા. મિત્રો નહાઇ રહ્યા હતા ત્યારે અમુક નીકળી ગયા હતા અને અમુક હજુ પાણીમાં મોજમસ્તીમાં વ્યસ્ત હતા એ દરમિયાન આ કરૂણ ઘટના બની હતી.કરૂણાંતિકા એ હતી કે આ કોઇનેય તરતા આવડતું ન હતું. બાકીના ત્રણે મિત્રો નહાતા હતા તે દરમિયાન એક મિત્રનો પગ લપસતાં તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આથી બાકીના બન્ને તેને બચાવવા મરણીયા બન્યા હતા અને એ બન્ને પણ ડૂબવા લાગ્યા હતા અને એક પછી એક એક એમ ત્રણેય મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ત્રણેયના ડૂબી જવાથી મોત થયા હતા. બનાવની જાણ થતાં ટંકારા પોલીસની ટીમ, મોરબી ફાયરની ટીમ તેમજ મોરબી 108ની અલગ અલગ ત્રણ લોકેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવા તજવીજ હાથ ધરી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર