રાજ્ય સરકારે વધુ એક આંદોલન ઠાર્યું, 42 દિવસથી આંદોલન પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓની માંગ સ્વીકારી

શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (12:36 IST)
ચૂંટણી ટાણે ગાંધીનગર આંદોલનનું અખાડો બન્યું છે, ત્યારે રાજ્ય સરકાર એક પછી એક કર્મચારીઓના આંદોલન શાંત પાડી રહી છે. આજે ગુજરાત સરકારે હેલ્થ વર્કરોની અનેક માગણીઓ સ્વીકારીને 42 દિવસથી આંદોલન પર ઉતરેલા કર્મચારીઓને શાંત પાડ્યા છે અને સરકારે મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે, જેમાં 7માં પગારપંચ અને એચઆરએ એલાઉન્સ, 4 હજાર માસિક ઉચ્ચક વધારો પણ સ્વીકાર્યો છે. હવે આગામી 2 દિવસમાં ઠરાવ પણ થઈ જશે તેવું રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલન પર ઉતરેલા આરોગ્યકર્મીઓની અનેક માંગણીઓ હતી. ત્યારબાદ આગેવાનો સાથે મીટીંગ પણ અનેક વાર થઈ છે. પરંતુ તમામ બેઠકો નિષ્ફળ રહી હતી. ત્યારબાદ 42 દિવસથી ચાલતા આ આંદોલનમાં ચર્ચા વિચારણા બાદ આખરી નિર્ણય લેવાયો છે. જેમાં જીતુ વાઘાણીએ આજે આ આંદોલનનો સુખદ અંત લાવતા જણાવ્યું હતું કે, કોઈને મુશ્કેલી ન થાય તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે. ઘણા ચર્ચાઓના અંતે કમિટીએ PTA એ ની માંગણી સ્વીકારી છે. જેમાં 130 દિવસનો પગાર અને કેટલીક બીજી માંગણીઓ પણ ગ્રાહ્ય રાખી છે. 4 હજાર માસિક ઉચ્ચક વધારો પણ સ્વીકાર્યો છે. એટલું જ નહીં, આરોગ્ય કર્મચારીઓને 7 માં પગાર પંચના અને HRA, એલાઉન્સનો પણ લાભ મળશે. જે કર્મચારીઓ કોરોનામાં સેવા પર હતા તેમને પણ લાભ મળશે.

આ તમામ માંગણીઓનો ઠરાવ પણ આગામી બે દિવસમાં થઈ જશે. અગાઉના નિર્ણય મુજબ સરકારે ગ્રેડ-પે ની માગણી માટે કમિટીની રચના કરી છે. આ જાહેરાત કરતાં સરકારે આરોગ્ય કર્મચારીઓને સેવા પર પરત ફરવા વિનંતી કરી છે. મહત્વનું છે કે છેલ્લા 42 દિવસથી આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓના આંદોલનને લઇ અનેક સેવાને અસર પડી રહી છે. ટીબી, મેલેરિયા, ચીકનગુનિયા, કોરોનાની કામગીરી પર અસર થાય છે. PM JAY કાર્ડ કઢાવવાની કામગીરીમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર