પ્રસંશનીય કિસ્સોઃ છુટા પડેલા માતા પિતા 10 વર્ષ બાદ દિકરા માટે ફરી એક થયા

મંગળવાર, 27 જુલાઈ 2021 (09:23 IST)
પતિ-પત્ની વચ્ચે અહમના ટકરાવને પગલે પડેલી તિરાડને 10 વર્ષની કાનૂની લડાઇ બાદ 10 વર્ષના દીકરાએ પૂરી દીધી હોવાનો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. 10 વર્ષના દીકરાની કસ્ટડી માટે 10 વર્ષથી લડતા દંપતીએ દીકરાના મન પર ખરાબ અસર ન પડે તે માટે સમાધાન કરી લેવા નિર્ણય કર્યો છે. પતિએ દીકરાને પોતાની પાસે રાખવા માટે કરેલી અરજી પરત ખેંચી લેતા હાઇકોર્ટે પણ નિર્ણયની પ્રશંસા કરી હતી.

દીકરાએ તેની માતાને વારંવાર એવો સવાલ કર્યો હતો કે, લગ્ન કરીને છૂટા પડવાનું હોય તો પછી લગ્ન શું કામ કરવાના? ડેડી બધા પૈસા કમાઇને આપણને આપે તો આપણે કેમ સાથે નહીં રહેવાનું? લંડનમાં રહેતા ધીમંત પટેલ અને અમદાવાદ રહેતી તેમની પત્ની રશ્મી પટેલ વર્ષ 2011થી આતંરિક વિખવાદને લીધે છૂટા પડ્યા હતા. રશ્મી પટેલે વર્ષ 2010માં દીકરા મંગલને લંડનમાં જન્મ આપ્યો હતો. ત્યારબાદ બન્ને પતિ-પત્ની વચ્ચે નોકરી કરવા મામલે ઝઘડા શરૂ થયા હતા. રશ્મીને નોકરી કરવી હોવાથી તે દીકરાને ડે કેરમાં મૂકી આવતી હતી. જેને કારણે ધીમંત પટેલને રશ્મી સાથે ઝઘડા થતા હતા. તેનાથી કંટાળીને છેવટે બન્નેએ છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. રશ્મી તેના દીકરાને લઇને ભારત પાછી આવી ગઇ હતી.ધીમંતે ભારત આવીને તેનો દીકરો પરત લેવા અરજી કરી હતી.દરમ્યાનમાં રશ્મીએ ભરણપોષણ મેળવવા પણ કોર્ટમાં અરજી કરી હતી. કાનૂની લડાઇ વખતે નાનો દીકરો મંગલ ઘણી વખત કોર્ટમાં માતા-પિતા વચ્ચે થતા ઝઘડા જોતો હતો. ધીમંતભાઇ ઘણી વખત લાંબો સમય લંડન રહેતા હોવાથી મંગલને જોવા મળતા નહોતા. પરતું નિયમિત તેની માતાને પૈસા મોકલતા હોવાની માતાથી દીકરો અવગત હતો. દીકરો નાના-નાનીને ઘરે રહીને ઉછરી રહ્યો હતો. 9 વર્ષનો થયો પછી તેની માતા રશ્મીબેનને પૂછતો રહ્યો કે, લગ્ન કરીને છૂટા પડવાનું હોય તો લગ્ન શેના માટે કરવાના? તમે ડેડીને લાઇક કરતા નથી તો તેમના મની કેમ લો છો? ડેડી તમને બધા પૈસા આપે છે તો આપણી સાથે કેમ નથી રહેતા? 9 વર્ષના મંગલના વાંરવાર સવાલોને કારણે રશ્મીબેને ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ પાસે તેનું કાઉન્સેલિંગ કરાવ્યંુ હતું. 3 સેશન પૂરા થયા પછી તબીબે કહ્યું કે મંગલના મન પર લગ્ન અને કમાવવાની બાબતે ઘણી ઉંડી અને નકારાત્મક અસરો પડી રહી છે. તેને દૂર કરવી માત્ર તમારા હાથમાં છે. આ વાતને ગંભીરતાથી લઇને રશ્મીએ તેના પતિ સાથે વાત કરી હતી. પોતે દીકરા માટે નોકરી છોડીને તેના ભવિષ્યને સારૂ કરવા માંગે છે તેવી રજૂઆત કરી હતી. આ વાત સાથે સંમત થયેલા ધીમંતે પણ તેની સાથે રહેવા તૈયારી બતાવી હતી. બન્ને પતિ-પત્નીએ હાઇકોર્ટમાં સમાધાન કરીને સાથે રહેવા માંગે છે તેવું સોંગદનામું કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર