મહિને 6.50 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, 47થી વધુ દેશોમાં ભક્તો ઓનલાઈન દર્શન કરે છે

શનિવાર, 24 જુલાઈ 2021 (09:24 IST)
સોમનાથ મહાદેવના દર્શન વિશ્વના 47 થી પણ વધુ દેશોના ભાવિકો સોશ્યલ મીડિયા પર કરે છે. સોમનાથના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીએ જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયા ઉપર દર મહિને 6.50 કરોડ મુલાકાતીઓ સોમનાથદાદાના દર્શન કરે છે. આથી આ વિક્રમજનક સંખ્યા ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ સ્થાન મેળવે તે માટે કાર્યવાહી શરૂ કરાઇ છે.દરમ્યાન તા. 1 જુલાઇ થી તા. 21 જુલાઇ સુધીમાં 2,41,935 દર્શનાર્થીઓ સોમનાથ આવ્યા છે. જે જુલાઇ માસના અંતે સાડા ત્રણ લાખને વટાવી જાય એવી શક્યતા છે.

આ ઉપરાંત ગત તા. 2 જુલાઇએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ટ્રસ્ટી અમિતભાઇ શાહને ટ્રસ્ટી સચિવ દિલ્હીમાં રૂબરૂ મળ્યા હતા. તેમજ સમુદ્ર દર્શન માર્ગ (પ્રોમેનેટેડ) અને નવીનીકરણ થયેલ અહલ્યાદેવી મંદિર અને શિલ્પ સ્થાપ્ત્યના આગવી રીતે રજુ કરતા સંગ્રહાલયના લોકાર્પણ માટે સમય ફાળવવા જણાવ્યું હતું. રૂબરૂમાં શક્ય ન બને તો વર્ચ્યુઅલ લોકાર્પણ કરવા માટેની તારીખ જણાવશે. આ વખતે શ્રાવણ માસનો પ્રારંભ તા. 9 ઓગષ્ટ 2021 ના સોમવારે થશે. અને સમાપન પણ તા. 6 સપ્ટે. 2021 ના સોમવારે જ થશે. આમ આ વખતે અનોખો સંયોગ રચાયો છે. સોમનાથ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સોમનાથ ટ્રસ્ટે ક્યા દિવસે સોમનાથ મહાદેવને કયો શણગાર કરાશે તેનું 29 દિવસનું લિસ્ટ પણ જારી કર્યું છે. જેમાં 15 ઓગષ્ટે તિરંગા શણગાર, જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ દર્શન, નાગપંચમીના દિવસે નાગ દર્શન શણગાર કરાશે. શ્રાવણ માસમાં શનિ, રવિ, સોમવાર તેમજ જાહેર પર્વ અને તહેવારના દિવસે સોમનાથ મંદિર સવારે 6 ને બદલે 4 વાગ્યે ખુલશે અને રાત્રે 10 વાગ્યે બંધ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર