ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા પેન્ડામિક સમય દરમિયાન અનેક પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ નકલી સેનેટાઈઝરના ટેસ્ટિંગ બાબતે ગ્રેજ્યુટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી) કાર્યરત રહી છે. તાજેતરમાં જ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના આસિસ્ટન્ટ પ્રો. ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ મલય પંડ્યા અને નિસર્ગ પટેલ દ્વારા રેમડેસીવરની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી છે.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કોરોના જેવી રાષ્ટ્રીય મહામારીનો સામનો કરવા દરેક સંસ્થાઓએ આગળ આવવું પડશે. સરકારની મદદના ભાગરૂપે જીટીયુ દ્વારા રેમડેસીવરની યોગ્ય ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીએસપી ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે ડૉ. ઠુમ્મર અને રીસર્ચકર્તા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
ઈન્ડિયન ફાર્મા કોપીયા કમિશન દ્રારા મંજૂર થયેલ દરેક દવાની મેથડ નક્કી કરવામાં આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં રેમડેસીવરની મંજૂરી ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ હોવાથી તેની ઓફિશીયલ મેથડ નક્કી કરવામાં આવેલ નથી. તેવા સંજોગોમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાર્મોનાઈઝેશનની (ICH) ગાઈડ લાઈન પ્રમાણે, પ્રથમ વખત જીટીયુ દ્વારા હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી (HPLC) મેથડ વિકસાવવામાં આવી છે.
જીટીયુ ફાર્મસી સ્કૂલ દ્વારા 5 મીનીટની સમયમર્યાદામાં કોવિડ-19 સામે વાયરસનો નાશ કરતું એન્ટી વાયરલ ડ્રગ્સ રેમડેસીવર યોગ્ય છે કે નહીં તથા તેમાં રહેલા ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જીટીયુ દ્રારા રીસર્ચકર્તા વિદ્યાર્થીઓને મેથડ વિકસાવવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે. દરેક જનસામાન્યથી લઈને વિવિધ સંસ્થાઓ અને હોસ્પિટલોને પણ આ સેવાનો લાભ વિનામૂલ્યે આપવામાં આવશે.