કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આગામી નવરાત્રિમાં ભાવિકો માં જગદંબાના દર્શન કરી શકશે. જો કે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાના પગલે ઉજવણી બાબતે હજુ સ્પષ્ટતા થઈ નથી અને તંત્રના નિર્ણય પર મીટ મંડાઇ છે. બે ચૈત્ર નવરાત્રી અને ગયા આસો મહિનામાં મંદિર બંધ હતું. પરંતુ આ વર્ષે નવરાત્રીમાં માતાના મઢના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કચ્છમાં માતાના મઢ ખાતે સામાન્ય સંજોગોમાં અશ્વિન નોરતામાં પગપાળા અને વાહનોમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ વર્ષે માતાના દર્શન માટે દ્વાર ખુલ્લાં રાખવાનો નિર્ણય થયા પછી હવે મુંબઈથી તો પદયાત્રીઓ નીકળી પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે તા. 6 ઓક્ટોબરના રોજ અહીંયા ઘટ સ્થાપન સાથે પર્વનો પ્રારંભ થશે. ભાદરવા વદ અમાસ અને બુધવારે રાત્રે 8:30 વાગે જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે સ્થાપન વિધિ કરવામાં આવશે, એ પછી તા. 7 ઓક્ટોબરથી અશ્વિન નવરાત્રીનો પ્રારંભ થશે. તા. 12 ઓક્ટોબર ને મંગળવારના રોજ રાત્રે જગદંબા પૂજન અને શ્રીફળ હોમ કરવામાં આવશે.