Weather Updates - ક્યાંક વાદળાં તો ક્યાંક માવઠાની આગાહી, ગુજરાતનું આ શહેર બન્યું ઠંડુગાર

બુધવાર, 10 નવેમ્બર 2021 (08:33 IST)
24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. ખાસ તો રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થ‌ઈ શકે છે, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ સર્જાશે. ત્યાર બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં ક્રમશ: વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
 
 
અરબ સાગરમાં ગત થોડા દિવસોથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, 24 કલાકમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ સર્જાશે. જોકે સમુદ્રમાં લો પ્રેશર બનતાં હજુ 4 થી 5 દિવસ સુધી માછીમારોને સમુદ્ર ન જવાની સલાહ આપવામાં આવી છે. 
 
તો આ તરફ રાજ્યમાં ઠંડીએ બિલ્લી પગે પગપેસારો શરૂ કરી દીધો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી શકે છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું, આગામી બે દિવસ અમદાવાદના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે.
 
ડિપ્રેશનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 33 ડિગ્રીથી વધુ અને લઘુતમ તાપમાન 16થી 23 ડિગ્રી વચ્ચે નોંધાતા બેવડી સિઝનનો અહેસાસા થઇ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં નલિયા 15 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. ત્યાર બાદ ગાંધીનગર અને વલસાડમાં 16.5, ડીસામાં 16.8, કંડલા એરપોર્ટ ખાતે 17.4, કેશોદમાં 17.6, અમદાવાદ અને વડોદરામાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર