કેન્દ્ર સરકાર કંડલામાં બનાવશે બે નવા પોર્ટ ટર્મિનલ

શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (08:34 IST)
કેન્દ્ર સરકારે કચ્છના કંડલા ખાતે આવેલા દીનદયાલ પોર્ટ પર બે નવા પોર્ટ ટર્મિનલ બનાવવા માટેની મંજૂરી આપી છે.
 
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કચ્છના ટુના ટેકરામાં અંદાજે રૂ. 5,963 કરોડના ખર્ચે બનનારા કંટેનર ટર્મિનલના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
 
આ પ્રસ્તાવિત કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી-પર્પઝ કાર્ગો બર્થને દીનદયાલ પોર્ટ ઑથોરિટી (જે અગાઉ કંડલા પોર્ટ ટ્રસ્ટ તરીકે ઓળખાતી હતી) દ્વારા બીઓટી (બિલ્ડ-ઑપરેટ-ટ્રાન્સફર)ના ધોરણે વિકસાવવામાં આવશે.
 
આ ટર્મિનલ પર 14 થી 18 મીટરનો ડ્રાફ્ટ ધરાવતા 6000 ટીઈયુસ (ટ્વેન્ટી - ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ્સ) થી 21000 ટીઈયુસની ક્ષમતા ધરાવતા જહાજોનો સમાવેશ થઈ શકશે. આ ટર્મિનલનો અંદાજિત ખર્ચ રૂ. 4,243.64 કરોડ થશે અને તેની માલસામાન વહન કરવાની ક્ષમતા 2.19 મિલિયન ટીઈયુસ હશે. આ ટર્મિનલ પર કન્ટેનરના સંગ્રહ માટે 54.20 હેક્ટર્સનો વિસ્તાર પણ હશે.
 
આ ટર્મિનલનો ઉપયોગ અનાજ, ખાતર, કોલસો, ખનીજો, સ્ટીલ કાર્ગો જેવા વિવિધ પ્રકારના માલસામાન માટે કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર