ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી: 4.61 લાખથી વધુ યુવાઓ સહિત કુલ 1162528 નવા મતદારો નોધાયા
મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (10:35 IST)
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમા હાથ ધરવામા આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર,2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 49089765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.કુલ મતદારોમાં 25336610 પુરૂષ અને 23751738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 1162528 જેટલા નવા મતદારો નોંધાયા છે
ભારતના ચૂંટણી પંચ દ્વારા જૂન, 2022માં જાહેર કરવામાં આવેલા મતદારયાદી સબંધી સુધારાઓ અન્વયે જાહેર કરવામાં આવેલી લાયકાતની ચાર તારીખોને કારણે હવે યુવાનો માટે મતદાર બનવાનું આસાન થયું છે. નવા સુધારાઓ સાથે તા.12મી ઓગસ્ટ-2022થી ૧૧મી સપ્ટેમ્બર-2022 દરમ્યાન યોજાયેલા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વ્યાપકણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજીને વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નામ નોંધાવે તે માટે ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવી હતી.
આખરી મતદારયાદીમાં સમાવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં 18 થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે.જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે.તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે.જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.એટલે કે, આ વય જુથમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓએ મતદાર તરીકે વધુ નોંધણી કરાવી છે.
કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે.જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા કેન્દ્રના કાયદા અને ન્યાય મંત્રાલયના જાહેરનામા અન્વયે ચૂંટણી સબંધિત કાયદાઓમાં કરવામાં આવેલા સુધારા અનુસાર હવે મતદાર મતદારયાદીમાં સ્વૈચ્છિક રીતે આધાર નંબર દાખલ કરાવી શકે છે.આ સુવિધાનો લાભ લઇને રાજ્યમાં અત્યાર સુધીમાં 76.68 લાખથી વધુ મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ સાથે આધાર નંબર દાખલ કરાવ્યો છે.
મતદારયાદીમાં નામ નોંધાવનાર નવા મતદારો સહિત જે મતદારોએ મતદારયાદીમાં પોતાની વિગતોમાં સુધારા કરાવ્યા છે તે તમામને નવા અને સુધારેલા મતદાર ઓળખ પત્ર (EPIC) પહોંચાડવાની કામગીરી હાલમાં વેગીલી બનાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 12મી ઓગસ્ટ,2022ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીનો મુસદ્દો પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.તેમાં દર્શાવેલી વિગતો ચકાસ્યા બાદ મતદારોએ મતદારયાદીમાં સુધારો કરાવવા માટે વિવિધ નિયત ફોર્મ ભરીને અરજી કરવાની રહે છે.આ અરજીના આધારે મતદારની વિગતોમાં સુધારો કરી તથા નવા મતદારોના નામ ઉમેરી તેમજ જુદા- જુદા કારણોસર કમી કરવામાં આવેલા મતદારોના નામ દૂર કરી આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.
લાયકાત ધરાવતો કોઇ મતદાર, મતદાન કર્યા વગર ના રહે અને ચૂંટણી પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગોની સહભાગિતા વધે તે માટે અને તે દ્વારા આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા વિવિધ સરકારી તથા બિન-સરકારી સંસ્થાઓ સાથે MoU પણ કરવામાં આવી રહ્યાં છે.