પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી, લૂંટ કે અન્ય ગુનામાં મુદ્દામાલ ચોરાયેલ હોય એવા લોકોને તેમની વસ્તુઓ પરત આપવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં જમા કરેલ વાહનમાલિકો વિનાના વાહનોની હરાજી કરવામાં આવી છે. આમ છેલ્લા 4 મહિનામાં કુલ 33.22 કરોડના મુદ્દામાલનો પોલીસે નિકાલ કર્યો છે, જેમાં વર્ષ 2001માં દાણીલીમડામાં ચોરીનો ભોગ બનનાર વ્યક્તિને શોધીને પોલીસે દાગીના પરત કર્યા છે.
પેન્ડિગ રહેલા કેસોમાં મુદ્દામાલ પરત કરવામાં આવ્યો
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, છેલ્લા 4 મહિનામાં 8.15 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. કોર્ટના હુકમ મુજબ 20 કરોડના વાહનો માલિકને પરત કરવામાં આવ્યા છે. 4 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ પરત કરવામાં આવ્યા છે. પોલીસે કુલ 33 કરોડ 22 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો છે. વર્ષ 2001માં દાણીલીમડા વિસ્તારમાં થયેલી ચોરીના 60 હજારના દાગીના પરત કરવામાં આવ્યા છે. ફક્ત આટલું જ નહિ વર્ષો સુધી પેન્ડિગ રહેલા કેસોમાં મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે.
છેલ્લા 6 મહિનામાં ગુનાઓનું પ્રમાણ ઓછું થયું
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનામાં ગુનાઓનું પ્રમાણ ઓછું થયું છે, જેમાં લૂંટ અને ધાડના 8 ગુનાઓમાં તમામની ધરપકડ કરવામાં આવી છે. શરીર સંબંધિત ગુનાઓ 6 મહિનામાં 14 ટકા જેટલા ઓછા થયા છે. નાઈટ રાઉન્ડમાં પોલીસે રેડ એલર્ટ સ્કીમ ગોઠવી છે. મોબાઈલ ચોરીના ગુનામાં થોડો વધારો થયો છે. પહેલા ગુનાઓ પોલીસ મથકે ન નોંધાતા જેથી મને ફરિયાદ મળતી હતી. હવે તમામ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે.
ગૃહ વિભાગને અને અમુક AMCને પત્ર લખ્યા
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં CCTV કેમેરા બંધ છે. તે માટે અમુક ગૃહ વિભાગને અને અમુક AMCને પત્ર લખ્યા છે. અમારી કામગીરી ચાલુ છે. કેમેરા બંધ હોવા છતાં અમે કેસ ડિટેક્ટ કરીએ છીએ. ટ્રાફિક બાબતે પણ અમારી કામગીરી ચાલુ છે. ઉચ્ચ અધિકારીઓ ટ્રાફિક માટે સતત સંકલન કરતા રહે છે.