ટેક્સટાઈલની 328 ચીજો પરની આયાત ડયૂટી સરકારે બમણી કરી

બુધવાર, 8 ઑગસ્ટ 2018 (13:23 IST)
ગુજરાતના ઉપરાંત ભારતના જુદા જુદા વિસ્તારોમાં પથરાયેલા ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરર્સને પ્રોત્સાહન મળી રહે તે માટે વિદેશથી આયાત કરવામાં આવતી ટેક્સટાઈલની ૩૨૮ જેટલી આઈટેમ્સ પરની આયાત ડયૂટી બમણી કરી દેવાનો નિર્ણય કેન્દ્ર સરકારે મંગળવારે કર્યો છે. આજે લોકસભામાં આ સંદર્ભમાં કરવામાં આવેલા નોટિફિકેશનની નકલ રજૂ કરી દેવામાં આવી હતી. આયાત ડયૂટીના વધારા હેઠળ આજે આવરી લેવામાં આવેલી ટેક્સટાઈલની આઈટેમ્સમાં કારપેટ, ટેક્સટાઈલ ફ્લોરિંગ, અન્ડરગારમેન્ટ (પુરુષ અને સ્ત્રીઓ બંને માટેના), વસ્ત્રો બનાવવા માટે વપરાતા દોરા, બટન જેવી નાની મોટી વસ્તુઓ પરનીડયૂટીમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તદુપરાંત શાલ, સ્કાર્ફ, ટાઈ પરની ડયૂટી વધારી દેવાઈ છે. કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ની કલમ ૧૫૯માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ ટેક્સટાઈલ સેક્ટરની ૩૨૮ જેટલી આઈટેમ્સ પરની આયાત ડયૂટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવામાં આવી છે. વિયેટનામ અને બાંગલાદેશમાંથી રેડીમેડ ગારમેન્ટની આયાત કરીને મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓ તેનું વેચાણ શરૃ કર્યું હોવાથી સ્થાનિક ઉત્પાદકો ખતમ થઈ રહ્યા છે તેવી બૂમ ઊઠયા પછી સરકાર તરફથી આ પગલું લેવામાં આવ્યું છે. વિદેશથી થતી આયાતને પરિણામે પ્રોસેસ હાઉસમાં આવતા ફેબ્રિક્સનો પણ ભરાવો થઈ ગયો હોવાની બૂમ ઊઠી હતી. ડયૂટીમાં વધારો કરવાને પરિણામે સ્થાનિક મેન્યુફેક્ચરર્સ આયાતી માલો સામેની સ્પર્ધામાં ટકી શકશે. આયાત ડયૂટી નહોતી ત્યારે આ આયાતી ઉત્પાદનો સ્થાનિક ઉત્પાદકોના પ્રોડક્ટ્સ કરતાં સસ્તા ભાવે બજારમાં મળતા હોવાથી તેમનું બજાર સાવ જ તૂટી ગયું હતું. પરિણામે ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગ એકમો અને ત્યારબાદ ટેક્સટાઈલ ઉદ્યોગ ખતમ થઈ જશે તેવો ભય પ્રસરી ગયો હતો. પરિણામે ગુજરાતમાં કેટલાક પ્રોસેસ હાઉસોએ તેમના કામકાજ ઓછા કરવા માટે માણસોને છૂટા કરવાની પણ શરૃઆત કરી દીધી હતી. ગયા મહિને સરકારે ટેક્સટાઈલના ૫૦ જેટલા પ્રોડક્ટ્સ ઉપરની આયાત ડયૂટી બમણી કરી દીધી હતી. તેમાં જેકેટ, સૂટ્સ અને કારપેટનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્તરના મેન્યુફેક્ચરર્સને પ્રોત્સાહન આપવા અને નવી રોજગારી નિર્માણ કરવાના ઇરાદા સાથે તેમણે આ પગલું લીધું હતું. આજે બીજા ૩૨૮ પ્રોડક્ટ્સ પરની ડયૂટી બમણી કરી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના માધ્યમથી આ પરિપત્ર કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટ ડયૂટી ઉપરાંત એડવેલોરમ ડયૂટીના દરમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. પસંદગીની આઈટેમ્સ પરની જ એડવેલોમર ડયૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. ટેક્સટાઈલના ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે જૂન મહિનામાં ટેક્સટાઈલ યાર્ન, મેડઅપ્સ આર્ટિકલ્સ, ફેબ્રિક્સની આયાતમાં ૮.૫૮ ટકાનો એટલે કે ૧૬૮ કરોડ ડોલરનો વધારો થયો હતો. જોકે કોટન યાર્ન, ફેબ્રિક્સ, મેડઅપ્સ, હેન્ડલૂમના ઉત્પાદનોની નિકાસમાં આ મહિના દરમિયાન ૨૪ ટકાનો વધારો થયો હતો. આ વધારા ૯૮.૬૨ કરોડ ડોલનો હતો. તેની સામે મેનમેડ યાર્ન, ફેબ્રિક્સ, મેડઅપ્સનુી નિકાસમાં ૮.૪૫ ટકાના દરે વધારો થયો છે. આ નિકાસ વધીને ૪૦.૩૪ કરોડ અમેરિકી ડૉલરની છે. ટેક્સટાઈલના ક્ષેત્રના તમામ પ્રકારના રેડીમેડ ગારમેન્ટ્સની નિકાસ ૧૨.૩ ટકા ઘટીને ૧૩.૫ અબજ અમેરિકી ડૉલર થઈ છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર