રાજયમાં વધી રહેલા કોવિદ-૧૯ના સંક્રમણને ધ્યાને રાખી જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ તહેવારો બાદ કોવિદ-૧૯ની કામગીરી માટે વલસાડ જિલ્લા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તહેવાર બાદ મેડીકલ બુથ દ્વારા સ્વૈચ્છિક તપાસ કરાવવા માંગતા લોકોનું સ્ક્રીનિંગ તેમજ વેન્ડરોનું એન્ટીજનટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે બહારગામથી આવતા લોકોનું પણ ચુસ્ત રીતે સ્ક્રીનીંગ થાય તે માટે ચેકપોસ્ટ ઉપર પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આરોગ્યની ટીમ દ્વારા સઘન સર્વેલન્સમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. વલસાડના મોટાબજારમાં રહેતી ગાંધી પરિવારની એક યુવતીની સગાઇ મુંબઇના શાહ પરિવારના યુવાન સાથે કરવામાં આવી હતી. આ માટે તેઓ ૧૦/૧૧/૨૦૨૦ના રોજ મુંબઇ ખરીદી માટે ગયા હતા. અન્ય રાજયની હિસ્ટ્રીના આધારે આ યુવતીની આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો.
પેશન્ટની હિસ્ટ્રીના આધારે ઘરે તપાસ કરતા આ યુવતીના આજે તા. ૨૭/૧૧/૨૦૨૦ ના રોજ લગ્ન હતા. આ બાબતની જાણ થતાં જ તાલુકા હેલ્થ ઓફિસર સાથેની ટીમ મેરેજ હોલ ખાતે તપાસ કરતા સાંઇલીલા મોલ ખાતે મળી આવી હતી. જયારે આરોગ્યની ટીમ ત્યાં પહોંચી ત્યારે યુવતીના લગ્ન લેવાતા હતા. લગ્નમાં તમામ લોકોએ કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કર્યુ હતુ. પરંતુ જાન મહારાષ્ટ્ર રાજયમાંથી આવી હોવાથી આરોગ્યની ટીમ દ્વારા હાજર સગાસબંધીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં કોઇ પોઝીટીવ માલુમ પડયું ન હતું.