7 મેના રોજ લેવાશે તલાટીની પરીક્ષા, ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવું પડશે

બુધવાર, 12 એપ્રિલ 2023 (17:26 IST)
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ થઈ છે. ત્યારે હવે તલાટીની ભરતી પરીક્ષા માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. આમતો તલાટીની પરીક્ષા 30મી એપ્રિલે લેવાવાની હતી. પરંતુ વર્ગ ખંડોનો અભાવ સહિતના કારણોસર આ પરીક્ષા લેવી કે નહીં તે વિચારણા ચાલતી હતી. પરંતુ હવે સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે, આગામી સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે ઉમેદવારોએ કન્ફર્મેશન આપવું પડશે. 
 
પરીક્ષા પહેલાં ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામા આવશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા લેવામાં આવશે. જે ઉમેદવારો કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે. સંસાધનોનો ખોટો ઉપયોગ ના થાય તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે. પરીક્ષા પહેલાં ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામા આવશે. ઉલ્લેખનીય છે કે 30મી એપ્રિલે લેવાનારી તલાટીની પરીક્ષા એક સપ્તાહ પાછી ઠેલાઈ છે. 
 
રાજય ગૌણ સેવા પસંદગી મંડળમાં સૌથી મોટી ભરતી કરાશે
રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી મોટી ભરતી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં સિનિયર ક્લાર્ક, ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની 5400 થી વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગો પાસે ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવી છે. જેમાં પસંદગી મંડળ દ્વારા ખાલી જગ્યાઓની વિગતો પર 15 મે સુધીમાં તમામ માહિતી આપી તેના પર સમયસર પગલાં ભરવા માટે તાકિદ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર