સુરતના જાણિતા સમાજસેવી અને બિઝનેસમેન મહેશ સવાણી આપમાં જોડાયા, આંખમાંથી સરી પડ્યા આસું

રવિવાર, 27 જૂન 2021 (18:04 IST)
દિલ્હીમાં કેજરીવાલ સરકારા ગુડ ગર્વનન્સ માટે કરવામાં આવી રહેલા ઐતિહાસિક કાર્યોથી પ્રભાવિત થઇને લોકો સતત આપ સાથે જોડાઇ રહ્યા છે. આ ક્રમમાં સુરતના જાણિતા બિઝનેસમેન અને સમાજસેવી મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ ટોપી અને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. 
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે 'મહેશભાઇ આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે. આપણે બધા મળીને ગુજરાતના વિકાસ માટે કામ કરીશું. 
આપમાં જોડાયા બાદ મહેશ સવાણી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું છે. ગુજરાતનું કામ કરવા માટે રાજકારણમાં આવી રહ્યો છું. મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું હતું પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે. ગોળી ખાવાનું પસંદ કરીશ. પણ મને નાના વર્ગની પીડા ખબર છે. 
 
સમાજના કામ કરવામાં પણ રાજકારણ આવે છે. કોવિડ સેન્ટરો મુદ્દે પણ આવું રાજકારણ યોગ્ય નથી. તો દિલ્હી વિશે મહેશ સવાણીએ કહ્યું કે, હું દિલ્હી ગયો હતો ત્યાં મેં સરકારી સ્કૂલો જોઈ હતી. ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલો છે.  કોરોના કાળમાં લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું છે. લોકો કોરોનામાં રઝળી રહ્યા હતાં. પાટીદારોની વાત કરતા મહેશ સવાણીની આંખમાં આસું આવી ગયા હતા.
 
તો બીજી તરફ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે મને ખુશી કે ગુજરાતમાં ગત 4 મહિનામાં આમ આદમી પાર્ટીનો ઝડપથી પ્રસાર થઇ રહ્યો છે અને અમને જનતાનો સ્નેહ મળી રહ્યો છે. સુરતની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુકીને સુરતના રાજકારણમાં યુવા અને ભણેલા ગણેલા લોકોને ચૂંટ્યા છે. આ પરિવર્તનનું પ્રતિક છે. તેમણે આગળ કહ્યું કે આમ આદમી પાર્ટી માટે એકદમ ગર્વ અને સન્માનની વાત છે કે મહેશ સવાની, અરવિંદ કેજરીવાલના વિઝનથી પ્રભાવિત થઇને પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે મહેશ સવાણીએ એક સમાજસેવીના રૂપમાં સમાજના વિકાસ માટે કામ કર્યું છે અને હવે ગર્વનન્સમાં પણ ફેરફાર લાવવા માંગે છે. તેમના અનુભવોથી પાર્ટી અને ગુજરાતની જનતાને ખૂબ ફાયદો થશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 27 કોર્પોરેટરો સાથે શાનદાર શરૂઆત કરી છે. મનીષ સિસોદિયા હવે જ્યારે સુરતના પ્રવાસ પર છે તો બધાની નજર આ વાત પર ટકેલી છે સુરતમાં પાટીદાર સમાજ સાથે આમ આદમી પાર્ટીમાં કોણ કોણ જોડાઇ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર