સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંજવણ ભરી સ્થિતીમાં મુકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં. જેથી ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મિમેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સરથાણા પ્રાણી સંગ્રહાલય સામે આવેલા ઓવરબ્રીજ પરથી પસાર થતાં લોકોએ રસ્તા પર વાહનો થંભાવી દઈને આગની ઘટના જોવાની સાથે કેમેરામાં કેદ કરવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયામાં આગની સમગ્ર ઘટનાને પગલે હાહાકાર મચી ગયો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે, ફાયરબ્રિગેડને આગ લાગ્યા અંગે જણાવવામાં આવ્યું હતું તેમ છતાં ફાયર બ્રિગેડ આગ લાગ્યાના ઘણા સમય બાદ આવ્યું હતું. જેથી ખાના ખરાબી વધી હતી. તંત્ર પાસે પુરતા સાધનો ન હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં સફળતા નથી મળી રહી. બીજા માળે આવેલા ક્લાસીસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે. આગ લાગ્યા બાદ આગ થોડી જ ક્ષણોમાં પ્રચંડ બની ગઈ હતી.જેથી ડરના માર્યા બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી.